કોબડી ટોલટેક્ષ નાકાના વિરોધમાં સોશ્યલ ડિસ્ટન્સીંગ ભુલી આમ આદમી પાર્ટી દ્વારા કલેકટર કચેરીનો ઘેરાવ

335

તળાજા રોડ પર તાજેતરમાં જ કોબડી પાસે નેશનલ હાઇવે પર ટોલટેક્ષ ઉઘરાવવાનું શરૂ કરવામાં આવ્યું છે જેનો આસપાસના ગ્રામજનો તેમજ સ્થાનિક વાહન ચાલકો દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે. આમ આદમી પાર્ટી દ્વારા આજે ભાવનગર જિલ્લાના વાહનોને કોબડિ ટોલ ટેક્ષમાંથી મુક્તિ આપવાની માંગ સાથે કલેક્ટર કચેરીમાં રજૂઆત કરાઇ હતી જેમાં મોટી સંખ્યામાં ઉપસ્થિત લોકો સોશ્યલ ડિસ્ટન્સીંગ ભુલી જવા પામ્યા હતા. અને આવેશ પૂર્વક રજૂઆત કરી હતી. બે દિવસ પૂર્વે કોબડી નજીકનાં એક ડઝન ઉપરાંત ગામના સરપંચો દ્વારા પોતાના ગામના લોકો વારંવાર બહાર આવતા જતા હોય ટોલટેક્ષ ભરવો પડતો હોય તેનો વિરોધ કર્યો હતો અને આસપાસના ગામોને ટોલટેક્ષમાંથી મુક્તિ આપવા અથવા સર્વિસ રોડ આપવા માંગ કરી હતી જ્યારે આજે આમ આદમી પાર્ટી દ્વારા ભાવનગર જિલ્લાનાં તમામ વાહનોને કોબડી ટોલટેક્ષ નાકામાંથી મુક્તિ આપવાની માંગ સાથે કલેક્ટર કચેરી ખાતે રજૂઆત કરી હતી. આ ઉપરાંત ભાવનગરમાંથી સરતાનપર જવાનો નવો રોડ બનાવવા તથા શહેરનાં ગંગાજળિયા તળાવ, વડવા વોશીંગ ઘાટ, જશોનાથ ચોક, મોતિબાગ રોડ અને ગામડાઓમાંથી શહેરમાં ખરીદી કરવા આવતા નાના વાહન ચાલકો માટે રિક્ષા સ્ટેન્ડ અને પાર્કીંગનો કાયમી ઉકેલ લાવવાની માંગ કરવામાં આવી હતી. ઠેર ઠેર લગાવેલા નો- પાર્કિંગના બોર્ડના કારણે વાહનો ટોઇંગ થઇ જવાથી લોકો મુશ્કેલી ભોગવી રહ્યા છે. રોજગારી મેળવવા ગામડામાંથી શહેરમાં આવતા લોકોને પાર્કીંગનો સામનો કરવો પડે છે તેવી પણ રજૂઆત કરી હતી. આમ આદમી પાર્ટીનાં અસંખ્ય કાર્યકરો આ રજૂઆતમાં જોડાયા હતા અને કલેક્ટર કચેરીએ હલ્લાબોલ સાથે પહોંચ્યા હતા જેના કારણે સોશ્યલ ડિસ્ટન્સીંગ પણ ભુલાયું હતું.

Previous articleખેડુત આંદોલનના સમર્થનમાં કોંગ્રેસ રોડ પર આવશે : સેવાદળ પ્રમુખ
Next articleભાવનગર ડિવીઝનના આઠ રેલવે કર્મીઓને જનરલ મેનેજરે ઈનામ આપ્યું