ખાનગીકરણનાં વિરોધમાં ભાવનગર શહેરમાં બેંક કર્મચારીઓની બાઇક રેલી

256

કેન્દ્ર સરકાર દ્વારા બેંકોના ખાનગીકરણ કરવાનાં નિર્ણય સાથે દેશભરની બેંકો દ્વારા યુનાઇટેડ ફોરમ ઓફ બેંક યુનિયનનાં આદેશથી તા. ૧૫-૧૬ બે દિવસ હડતાલ પાડવામાં આવી છે. જેના કારણે લોકોનાં આર્થિક વ્યવહારો ખોરવાઇ જવા પામ્યા છે. હડતાલનાં પગલે આજે ભાવનગરમાં બેંક કર્મીઓ દ્વારા બાઇક રેલી કાઢી બેંકોનાં ખાનગીકરણનો વિરોધ કર્યો હતો.
યુનાઇટેડ ફોરમ ઓફ બેંક યુનિયન દ્વારા બેંકોના ખાનગીકરણનાં વિરોધમાં તા. ૧૩-૧૪ની રજા બાદ તા. ૧૫-૧૬ બે દિવસ બેંક હડતાલનું એલાન કરવામાં આવેલ. જેના પગલે છેલ્લા ચાર દિવસથી બેેંકો બંધ છે. ગુજરાત બેંક વર્ક્સ યુનિયનનાં આદેશથી રાજ્યભરની સાથો સાથ ભાવનગરમાં પણ બેંક હડતાલ પાડવામાં આવી છે. હડતાલનાં ભાગરૂપે ગઇકાલે સોમવારે ભાવનગરમાં એસબીઆઇ નિલમબાગ ખાતે બેંક કર્મચારીઓએ એકઠા થઇને ખાનગીકરણનાં વિરોધમાં સુત્રોચ્ચાર કર્યા હતા.
આજે સવારે બેંક કર્મચારીઓ શહેરનાં એ.વી. સ્કુલ મેદાન ખાતે એકઠા થયા હતા અને ત્યાંથી વિશાળ બાઇક રેલી કાઢવામાં આવી હતી. જેમાં તમામ બેંક કર્મચારીઓ વોર્ડ બેનર અને પ્લેકાર્ડ સાથે જોડાયા હતા. અને શહેરનાં વિવિધ માર્ગો ઉપર ફરીને ખાનગીકરણનો વિરોધ કર્યો હતો.
બેંક યુનિયનનાં જણાવ્યા પ્રમાણે સંસદમાં પણ સરકારે ડિફોલ્ટરોનાં લાખો કરોડ રૂપીયાની માંડવાળ કરી હોવાનું સ્વીકાર્યું છે ત્યારે ખાનગીકરણની વિચારણા પણ લોકો માટે જોખમી હોવાનું જણાવેલ અને બેંકોનાં ખાનગીકરણ થવાથી તેનાં ઉપર સરકારનો કોઇ અંકુશ રહેશે નહીં તેવી દહેશત વ્યક્ત કરી હતી અને સામાન્ય લોકોને બેંક સાથે કામ કરવું ખુબ જ અઘરૂ બનશે તેવી ચિંતા વ્યક્ત કરેલ. બેંક હડતાળનાં પગલે રાજ્યભરની સાથો સાથ ભાવનગરમાં પણ વેપારીઓ ઉધોગકારોનાં કરોડોનાં વ્યવહારો અટવાઇ જવા પામ્યા છે અને લોકોને પણ ભારે મુશ્કેલીઓ ભોગવવી પડેલ.

Previous articleકોરોના દર્દીઓની સંખ્યામાં સપ્તાહમાં ૩૩ ટકાનો વધારો
Next article૮૦ પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ માટે એન્ડ્રોઈડ મોબાઈલ અર્પણ કરાયા