લેપ્રેસી હોસ્પિટલને કોવિડ હોસ્પિટલમાં ફેરવવા કવાયત હાથ ધરાઈ, તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ શરૂ

945

ભાવનગરના રૂવાપરી રોડ પર આવેલ લેપ્રેસી હોસ્પિટલની વિશાળ જગ્યામાં ભાવનગરના આરોગ્ય તંત્ર દ્વારા હાલની પરિસ્થિતીને ધ્યાનમાં રાખી કોવિડ હોસ્પિટલમાં ફેરવવા નિર્ણય કરાયો છે. અને તેની તૈયારીઓ આરંભી દિધી છે. આજે બેડ સહિતની સામગ્રી પહોંચાડી દેવાઈ છે. અને પુરજોશમાં કામગીરી ચાલી રહી છે. જેમાં બેથી ત્રણ દિવસમાં ૨૦૦ ઉપરાંતની ક્ષમતા વાળી કોવિડ હોસ્પિટલ તૈયાર થઇ જશે. ભાવનગરમાં જે પ્રકારે કોરોનાના કેસમાં દિનપ્રતિદિન વધારો થઈ રહ્યો છે. જેને લઇને આરોગ્ય વિભાગ પણ હરકતમાં આવ્યું છે. ત્યારે ભાવનગર વહીવટીતંત્ર અને મહાનગર પાલિકા આરોગ્ય વિભાગ દ્વારા શહેરમાં કોરોનાના દર્દીઓને પૂરતી સારવાર મળી રહે તેવા હેતુથી સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં બેડની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. જેમાં કુલ ૨૪૨ જેટલા બેડની વ્યવસ્થા તંત્ર દ્વારા કરવાની તૈયારીઓનો પ્રારંભ કરી દેવામાં આવ્યો છે. અને ઝડપથી બેડ વધારી દેવામાં આવશે. તેમ આરોગ્ય વિભાગ દ્વારા જણાવ્યું હતું.
વીડિયો વાયરલ થયા બાદ ભાવનગરનું તંત્ર જાગ્યું ભાવનગરમાં સર ટી હોસ્પિટલનો એક વીડિયો દર્દી દ્વારા વાયરલ કરવામાં આવ્યો હતો. આ વીડિયો વાયરલ થયા બાદ ભાવનગરનું તંત્ર જાગ્યું હોય તેમ તંત્ર દ્વારા કોરોનાની પરિસ્થિતિ બેકાબુ બન્યા બાદ હવે કાબૂમાં લેવા માટે તનતોડ મહેનત હાથ ધરી દેવામાં આવી છે. જેમાં કોરોનામાં સૌથી જરૂરી એવા દર્દીઓને સારવાર કરવા હોસ્પિટલમાં બેડ ઉપલબ્ધ કરાવવા માટે વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે. જેના ભાગરૂપે તંત્ર પાસે ૧૦૦૦ બેડની વ્યવસ્થા થાય તેવી તૈયારીઓ હાથ ધરી દેવામાં આવી હતી. ત્યારે હવે આગામી સમયમાં જો કોરોનાની પરિસ્થિતિ વધુ વિકટ બનશે તો આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવી રહેલી તૈયારીઓ સાથે પહોંચી શકશે કે કેમ તે જોવું રહ્યું છે.
ભાવનગર મહાનગર પાલિકા આરોગ્ય અધિકારી ડોક્ટર આર.કે. સિંહા દ્વારા જણાવવામાં આવ્યું હતું કે ભાવનગર પૂરતી વ્યવસ્થા છે. સર ટી હોસ્પિટલમાં ૪૩૫ બેડની વ્યવસ્થા છે. તેની સામે સારવારમાં ૨૯૨ દર્દીઓ છે. અને પ્રાઇવેટ હોસ્પિટલમાં ૧૬ હોસ્પિટલમાં કુલ ૪૩૩ બેડની વ્યવસ્થા કરવામાં આવી છે. અને સાંજ સુધીમાં વધુ ૧૦૦ બેડની વ્યવસ્થા કરવામાં આવશે.
હજી રેલવે હોસ્પિટલમાં પણ તૈયારીઓ કરવામાં આવી રહી છે અને સાથે સાથે ભાવનગરની રૂવાપરી રોડ ખાતે લેપ્રેસી હોસ્પિટલમાં પણ તડામાર તૈયારીઓ શરૂ કરવામાં આવી છે.