આજે રાત્રિથી શહેરમાં ૬૦ કલાકનું સ્વૈચ્છીક લોકડાઉન

696

સૌરાષ્ટ્ર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા હાલની કોરોના મહામારીની વિષમ પરિસ્થિતિમાં વેપાર-ઉદ્યોગ દ્વારા સાવચેતી અંગે તકેદારીના શું પગલાં લેવા જોઈએ તે અંગે ચર્ચા વિચારણા કરવા માટે ભાવનગરનાં વિવિધ વેપારી એસોસિએશન સાથે ચેમ્બર હોલ ખાતે એક મીટીંગનુ આયોજન કરવામાં આવેલ. જેમાં શહેરના વિવિધ વેપારી એસોસીએશનનાં ૪૦ જેટલા પ્રતિનિધિઓ ઉપસ્થિત રહેલ. આ મીટીંગમાં ઉપસ્થિત વિવિધ એસોસિએશનનાં પ્રતિનિધિઓએ કોરોના સંક્રમણ ઘટાડવા બાબત પોતાના મંતવ્યો રજુ કરેલ. આ તમામ મંતવ્યોનો નિષ્કર્ષ એક જ હતો કે હાલમાં કોરોના સંક્રમણની ચેઈન તોડવા માટે તા.૩૦.૦૪.૨૦૨૧ સુધી શનિ-રવિ એમ બે દિવસ વેપાર-ધંધા બંધ રાખી સ્વૈચ્છિક લોકડાઉન રાખવું જોઈએ. તા.૩૦.૦૪.૨૦૨૧ પછી પરિસ્થિતિની સમીક્ષા કરી આગળનો નિર્ણય લેવામાં આવશે. સાથે સાથે લોકડાઉન સંપૂર્ણ સફળ થાય તે માટે વહીવટીતંત્રનો પણ સહયોગ લેવો જોઈએ. ઉપસ્થિત તમામ એસોસિએશનો દ્વારા આ સ્વેચ્છિક લોકડાઉન અંગે સૌરાષ્ટ્ર ચેમ્બર આગેવાની લે અને તે અંગે અપીલ કરે તેવો અનુરોધ કરવામાં આવેલ. અંતમાં સમગ્ર ચર્ચાનું સમાપન કરતા સૌરાષ્ટ્ર ચેમ્બરનાં પ્રમુખશ્રી કિરીટભાઈ સોનીએ જણાવેલ કે કોરોના સંક્રમણની ચેઈન તૂટે તે માટે આપણે સૌએ સજાગ પણ રહેવું પડશે. માત્ર બે દિવસ ધંધા-રોજગાર બંધ રાખવા તે પૂરતું નથી પરંતુ આ બે દિવસ દરમિયાન અત્યંત જરૂરી હોય તો જ લોકોએ ઘરની બહાર નીકળવું જોઈએ અન્યથા ઘરમાં જ રહેવું જોઈએ. તેવી રીતે શહેરના અન્ય શહેરીજનોએ પણ આ બે દિવસ દરમિયાન ઘરમાં જ રહેવું જોઈએ. શહેરના નાગરિકોએ પણ બે દિવસની પોતાની જરૂરીયાત અંગે આગોતરું આયોજન કરવું જોઈએ. શુક્રવારે રાત્રીના ૦૮ઃ૦૦ કલાકથી સોમવારે સવારનાં ૦૮ઃ૦૦ કલાકનો સમય ગણીએ તો ફક્ત ૬૦ઃ૦૦ કલાક પોતાના ઘરમાં જ રહેવાનું છે. આ રીતે સ્વયંશિસ્તનું પાલન કરવામાં આવશે તો જ કોરોના સંક્રમણની ચેઈન તૂટશે. આ ઉપરાંત બે દિવસનું લોકડાઉન સફળ થાય તે માટે દરેક એસોસિએશનની કારોબારીનાં પાંચ સભ્યોએ તેમના એસોસિએશનનાં દરેક સભ્યો લોકડાઉનનું ચુસ્તરીતે પાલન કરે તેની તકેદારી રાખવી જોઈએ. બે દિવસ વેપાર ધંધા બંધ રાખી આપણે માત્ર આપણું જ હિત જોતા નથી પરંતુ આપણે એક દિવસની નફાની આવક સ્વૈચ્છિક ડોનેશન અને સમાજસેવામાં આપીએ છીએ તે હકીકતને પણ સૌએ ધ્યાનમાં લેવી જોઈએ. આજની મીટીંગમાં ચેમ્બરનાં પ્રમુખ કિરીટભાઈ સોની, માનદ્દ મંત્રી કેતનભાઈ મહેતા, ચેમ્બરની રીટેઈલ ટ્રેડ કમિટીનાં ચેરમેન નીતિનભાઈ પટેલ અને ચેમ્બરની મેનેજીંગ કમિટીનાં સભ્યો ઉપસ્થિત રહેલ.