ભાવેણાની લેપ્રેસી હોસ્પિ. બે દિવસમાં બની જશે અદ્યતન કોવિડ સેન્ટર

1013

ભાવનગરનાં રાજવી પરિવાર દ્વારા વર્ષો પૂર્વે રક્તપીતનાં દર્દીઓ માટે ભાવનગર શહેરનાં છેવાડે કુદરતી વાતાવરણમાં બનાવેલી લેપ્રેસી હોસ્પિટલને હાલનાં સંજોગો અને પરિસ્થિતિને ધ્યાને લઈને કોરોના કેર હોસ્પિટલ બનાવવાની તૈયારીઓ પુર-જોશમાં ચાલી રહી છે. અને બે દિવસમાં સંપૂર્ણ સુવિધા સાથેની અદ્યતન કોવિડ કેર હોસ્પિટલ રાજ્યમંત્રી વિભાવરીબેન દવે, કલેકટર ગૌરાંગ મકવાણા, કમિશ્નર એમ.એ.ગાંધી, ડીડીઓ વરૂણકુમાર બરનવાલ, એસ.પી. જયપાલસિંહ રાઠોર, મામલતદાર રવિયા તેમજ આરોગ્ય વિભગા અને હોસ્પિટલનાં ડોકટરોનાં ભરપૂર પ્રયત્નોથી તૈયાર થઈ જશે. ભાવનગરમાં કોરોનાનાં દર્દીઓમાં વધારો થવા સાથે હોસ્પિટલોમાં બેડ ઓછા પડતા લેપ્રેસી હોસ્પિટલ કે જ્યાં હાલમાં વિશાળ જગ્યામાં દર્દીઓ ઓછા હોય આ હોસ્પિટલને કોવિડમાં ફેરવવા તંત્ર દ્વારા નિર્ણય કરવામાં આવ્યો અને ભાવનગર પૂર્વનાં ધારાસભ્ય અને રાજ્યમંત્રી વિભાવરીબેન દવે દ્વારા વહીવટી તંત્ર તેમજ શહેર ભાજપ સંગઠનને સાથે રાખીને કોવિડ હોસ્પિટલની કામગીરી યુધ્ધનાં ધોરણે શરૂ કરવી અને હોસ્પિટલમાં રીપેરીંગ કામ ઉપરાંત તથા બેડ, ગાદલા, રંગરોગાન, રસ્તા પાણી તેમજ દરેક બેડ ઉપર ઓકસીજનની સુવિધા સાથેનાં ૧૫૦ બેડ માટે અભિયાન હાથ ધર્યુ અને રાત દિવસ કામગીરી કરાવી પરિણામે મોટાભાગનું કામ પૂર્ણ થયુ અને બુધવારથી ૧૫૦ બેડની કોવિડ કેર હોસ્પિટલ લોકો માટે તૈયાર થઈ જશે જે ભાવનગરનાં લોકો માટે રાહત આપશે. આમ હાલમાં ભાવનગરની પરસ્થિતિને ધ્યાને લઈને ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને વહીવટી તંત્ર તથા ડોકટરી ટીમ દ્વારા એક સંપ કરીને ટુંક સમયમાં જ કોવિડ કેર સેન્ટર બનાવી દીધુ છે. ખરેખર સરાહનીય અને બિરદાવવા લાયક કામગીરી છે.