ભાવનગર શહેરમાં નાઇટ કર્ફ્યુનો કડક અમલ કરાવવા એસપીની સુચના

764

રાજ્યભરની સાથો સાથ ભાવનગરમાં વધેલા કોરોના પોઝીટીવ કેસને કારણે રાજ્યના વીસ શહેરોની સાથે ભાવનગરમાં પણ નાઇટ કર્ફ્યુ મુકવામાં આવેલ છે. અને તેની અમલવારી કરવામાં આવી રહી છે. પરંતુ હજુ કેસોની સંખ્યામાં વધારો થઇ રહ્યો હોય ભાવનગર શહેરમાં રાત્રિ કર્ફ્યુનો કડક અમલ કરાવવા એસપી જયપાલસિંહ રાઠૌર દ્વારા તમામ ડિવીઝનોને સુચના આપવામાં આવી છે. રાત્રિ કર્ફ્યુનો કડક અમલ અંગે ગત રાત્રિનાં એસપી દ્વારા શહેરનાં વિવિધ સર્કલોમાં ચેકીંગ કરવામાં આવ્યું હતું અને તમામ સર્કલો પર ફરજ બજાવતા પોલીસ કર્મચારીઓને જરૂરી સુચાનાઓ આપવામાં આવી હતી.

આ દરમિયાન ઇન્ચાર્જ એસપી સૈયદ સહિત પોલીસ કાફલો સાથે રહ્યો હતો. ભાવનગર પોલીસ દ્વારા શહેરમાં તમામ એન્ટ્રી ગેઇટ પર ચેકપોસ્ટ ઉભી કરી સઘન ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું, અને બહારગામથી આવતા તમામ લોકોનું સ્ક્રીનગ કર્યા બાદ ભાવનગર માં એન્ટ્રી કરવા દેવામાં આવે છે. કોવિડ-૧૯ કોરોના સંક્રમણને નિયંત્રણમાં રાખવા માટે સરકાર દ્વારા સોશ્યલ ડિસ્ટન્સ ફરજિયાત માસ્ક સહિતના નિયમો લાદવામાં આવ્યા છે અને રાત્રી કર્ફ્યુ પણ અમલમાં છે અને પોલીસને કડક ચેકીંગ કરવાની સુચના પણ અપાઈ હોય છેલ્લા ૧૫ દિવસમાં ભાવનગરમાં પોલીસ દ્વારા કડક ચેકીંગ હાથ ધરવામાં આવી રહ્યુ જેના ભાગરૂપે ૧૫ દિવસમાં માસ્ક નહિ પહેરતા લોકો પાસેથી પોલીસે રૂપીયા ૫૦ લાખનો દંડ વસુલ્યો છે. આ ઉપરાંત નાઈટ કર્ફ્યુ દરમિયાન જાહેરનામાનો ભંગ કરનાર ૪૮૭ લોકો સામે કેસ દાખલ કર્યા છે અને ૨૨૧ વાહનો ડીટેઈન કર્યા છે.