ભાવનગરમાં રેપીડ ટેસ્ટ કરાવવા લોકોની કતાર

528

કોરોનાના કેસ ભાવનગર શહેરમાં ઝડપથી વધી રહ્યા છે ત્યારે રેપીડ ટેસ્ટ કરાવવા લોકોની કતારો લાગી રહી છે પરંતુ રેપીડ ટેસ્ટની કીટ્‌સ વારંવાર ખાલી થઈ જતા લોકોને પરેશાની થઈ રહી છે. ગઈકાલે રવિવારે કેટલાક સેન્ટર પર રેપીડ ટેસ્ટની કીટ ખાલી થવાની ફરિયાદ ઉઠી હતી તેથી લોકોની દોડધામ વધી હતી. આજે સોમવારે રેપીડ ટેસ્ટની કીટનો જથ્થો આવ્યો હોવાનુ મનપાના અધિકારીએ જણાવ્યુ હતું. ભાવનગર શહેરમાં આજે સોમવારે રેપીડ ટેસ્ટની ૩ હજાર કીટ આવી છે અને હજુ ૬ હજાર કીટ રાત્રે આવશે. હાલ બે દિવસ ચાલે તેટલો રેપીડ કીટનો જથ્થો છે તેમ મનપાના આરોગ્ય અધિકારીએ માહિતી આપતા જણાવ્યુ હતું. ઉલ્લેખનીય છે કે, ગઈકાલે રવિવારે ફરી રેપીડ કીટ્‌સની અછત જોવા મળી હતી તેથી દર્દીઓ પરેશાન થઈ ગયા હતાં. શરદી, ઉધરસ, તાવ વગેરે લક્ષણ હોય તે દર્દીઓ રેપીડ ટેસ્ટ કરાવવા માટે જુદા જુદા સેન્ટર પર ફરતા હતા પરંતુ કેટલાક સેન્ટર પર રેપીડ ટેસ્ટની કીટ ખાલી થઈ જતા દર્દીઓની દોડધામ વધી ગઈ હતી. દર્દીઓ અને તેના પરિવારજનો એક જગ્યાએથી બીજી જગ્યાએ રેપીડ ટેસ્ટ કરાવવા દોડધામ કરી રહ્યા હતા પરંતુ કીટની અછત હોવાથી કેટલાક લોકો ટેસ્ટ કરાવ્યા વગર ઘરે પરત ગયા હતાં. રેપીડ ટેસ્ટની કીટ ખાલી થઈ જતા લોકોમાં રોષ ભભૂકી ઉઠયો હતો અને લોકો તંત્રની ટીકા કરતા નજરે પડયા હતાં.
આજે સોમવારે રેપીડ ટેસ્ટની કીટનો જથ્થો આવતા ફરી શહેરના દરેક સેન્ટર પર રેપીડ ટેસ્ટ શરૂ કરવામાં આવ્યા હતા તેથી રેપીડ ટેસ્ટ કરાવવા માટે લોકોની કતાર જોવા મળી હતી. ભાવનગર શહેરમાં રોજના આશરે ૪ હજારથી વધુ રેપીડ ટેસ્ટ થાય છે તેથી ૯ હજાર રેપીડ ટેસ્ટની કીટ બે દિવસમાં ખાલી થઈ જશે તેમ જણાય રહ્યુ છે ત્યારે મનપાએ આ અંગે તત્કાલ યોગ્ય પગલા લેવા જરૂરી છે તેમ લોકમુખે ચર્ચાય રહ્યુ છે. કોરોનાની મહામારી વચ્ચે રેપીડ ટેસ્ટની કીટ વારંવાર ખાલી થતા લોકો કચવાટ કરતા હોય છે ત્યારે રેપીડ ટેસ્ટની કીટ ખાલી ન થાય તેવુ આયોજન કરવુ જરૂરી છે.