ઇન્જેકશન ન ફાળવાતા ખાનગી હોસ્પિટલના સંચાલકો નારાજ

605

કોવિડ-૧૯ સંક્રમિત દર્દીઓની સારવાર માટે રેમેડેસિવીરની ઈન્જેકશનની સતત જરૂર રહે છે. સમગ્ર રાયમાં સતત માંગની સામે ઈન્જીકશન ઉપલબ્ધ થતા નથી ત્યારે મુશ્કેલી સર્જાઈ છે. ભાવનગરમાં સર તખ્તસિંહજી હોસ્પિટલ ખાતેથી આ ઈન્જેકશન ફાળવવાની વ્યવસ્થા ગોઠવાઈ છે.
શહેરની ખાનગી હોસ્પિટલોને પણ અહીંથી જરૂરિયાત મુજબ રેમીડેસીવીર ફાળવવામાં આવે છે. જો કે છેલ્લા ત્રણ દિવસથી જરૂરિયાતની સામે ૩૦ ટકા જ ઈન્જેકશન ફાળવવામાં આવતા દર્દીઓની સારવાર કફોડી બનતા ખાનગી હોસ્પિટલના સંચાલકોમાં નારાજગી ઉભી થઈ છે.
ભાવનગરની ખાનગી હોસ્પિટલોમાં રોજના ૬૦૦ જેટલા રેમડેસિવીર ઈંજેકશનની જરૂર છે જેની સામે માત્ર ૨૦૦ ઈંજેકશન જ મળતા ખાનગી હોસ્પિટલના સંચાલકો અને દર્દીઓના સગા-વ્હાલા વચ્ચે માથાકુટ થઈ રહી છે. ભાવનગરને રોજના ૧૨૦૦ જેટલા રેમડેસિવિર ઈંજેકશન મળતા હતા તેની બદલે છેલ્લા ચાર દિવસથી રોજના માત્ર ૬૦૦ ઈંજેકશન મળે છે જેમાંથી શહેર અને જિલ્લાની ખાનગી હોસ્પિટલોને માત્ર ૨૦૦ ઈંજેકશન આપવામાં આવે છે!
આ પરિસ્થિતિમાં ખાનગી હોસ્પિટલમાં દાખલ કયા દર્દીને ઈંજેકશન આપવું અને કોને ન આપવું તે નક્કી થતુ નથી. અને દર્દીના સગાવ્હાલા તથા ડોકટરો વચ્ચે માથાકુટના બનાવો રોજિંદા બન્યા છે.
ખાનગી હોસ્પિટલના સંચાલકો જો પુરતો ઈંજેકશનનો જથ્થો ફાળવવામાં ન આવે તો એકપણ ઈંજેકશન કોઈએ લેવું નહીં તેવા આક્રમક મૂડમાં આવી જાય તેવી પરિસ્થિતિ છે. આ સંજોગોમાં ભાવનગરને જરીયાત પ્રમાણે ઈંજેકશનનો પુરતો જથ્થો મળી રહે તે જરૂરી છે.
આ ઈંજેકશન બનાવતી ફાર્મા કંપનીઓ સતત ઉત્પાદન કરી રહી છે પરંતુ માંગની સામે પહોંચી વળાતુ નથી. આ સંજોગોમાં સરકારે કોઈ રસ્તો વિચારવો રહ્યો તેમ તબિબો કહે છે.