ભાવનગર શહેરમાં ઇન્જેક્શન સહીતની માંગ સાથે કોંગ્રેસના દેખાવો કરતાં પોલીસ દ્વારા ધરપકડ

643

હાલમાં કોરોના મહામારી બેકાબુ બની છે, દિન પ્રતિદીન કોરોના પોઝીટીવના કેસોમાં વધારો નોંધાઇ રહ્યો છે. મૃત્યુઆંક પણ વધી રહ્યો છે. આવા સંજોગોમાં દર્દીઓ અને તેના સગા સબંધીઓ વધુ કફોડી હાલતમાં મુકાયા છે. સરકાર દ્વારા દર્દીઓને રેમેડેસીવીર ઇન્જેક્શન, જરૂરી દવાઓ, ઓક્સિજન, વેન્ટીલેટર અને હોસ્પિટલમાં બેડ ન મળવાના કારણે લોકો હાડમારી ભોગવી રહ્યા છે. આજે ભાવનગર શહેર કોંગ્રેસ સમિત્તિ દ્વારા આ તમામ બાબતનો વિરોધ નોંધાવવા નવતર કાર્યક્રમ જાહેર કરાયો હતો જેમાં કોંગ્રેસના આગેવાનો, કાર્યકરો શહેરના કાળાનાળા વિસ્તારમાંથી ભાજપ કાર્યાલાય સુધી પગપાળા જઇ રેમેડેસીવીર સહીતની સુવીધા આપો તેવી માંગ સાથેનો નવતર કાર્યક્રમ અપાયો હતો.
કાર્યક્રમ પૂર્વે જ કાળાનાળા વિસ્તારમાંથી કોંગ્રેસના, આગેવાનો, કાર્યકરોની અટકાયત કરી હતી.આ કાર્યક્રમમાં ભાવનગર શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ પ્રકાશ વાઘાણી, ધારાસભ્ય કનુભાઇ બારૈયા, ભાવ. મ્યુ. વિપક્ષના નેતા ભરતભાઇ બુધેલીયા, લાલભા ગોહિલ, કલ્પેશ મણીયાર, અનવરખાન પઠાણ, સહિતના આગેવાનો, કાર્યકરોની પોલીસે અટકાયત કરી હતી. ભાવનગર શહેર કૉંગ્રેસ પ્રમુખ પ્રકાશભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે કોંગ્રેસના આગેવાનોએ સરકારની રીતીનિતી અને હાલનાં કોરોના મહામારીના સમયમાં સરકારની બેદરકારી સામે સુત્રોચ્ચાર કર્યા હતા અને દેખાવો યોજ્યા હતા. કોરોનાની કપરી પરિસ્થિતિમાં સામાન્ય અને ગરિબ અને મધ્યમવર્ગના માણસોને હોસ્પિટલમાં બેડ મળતા નથી. અને જરૂરી સારવાર મળતી નથી. ગુજરાત સરકાર રેમેડેસીવીર ઇન્જેક્શન યુપી, બિહાર અને અન્ય રાજ્યોમાં મોકલે છે જ્યારે ગુજરાતની પ્રજા ઇન્જેક્શનના અભાવે મરણને શરણ થાય છે.