’મારૂં ગામ-કોરોનામુકત ગામ’અભિયાનને ગ્રામીણ જનશક્તિના સહયોગ-જનભાગીદારીથી પાર પાડવું છે : વિભાવરીબેન દવે

349

શિક્ષણ રાજ્ય મંત્રી વિભાવરીબેન દવેએ જણાવ્યું છે કે, ગત વર્ષની સરખામણીએ કોરોના સંક્રમણની બીજી લહેરમાં વધુને વધુ લોકો સંક્રમિત થઈ રહ્યા છે ત્યારે હળવા લક્ષણો ધરાવતા લોકો ઘરના બીજા સભ્યોને પણ ચેપ લગાવવાની પૂરી સંભાવનાઓ છે. આ સંક્રમણ ફેલાતું અટકાવવા જિલ્લા વહિવટી તંત્ર દ્વારા વિવિધ સ્થળોએ કોવિડ કેર સેન્ટર શરૂ કરવામાં આવશે.
મુખ્યમંત્રીએ શરુ કરેલાં ’મારૂં ગામ-કોરોનામુકત ગામ’ અભિયાનને ગ્રામીણ જનશક્તિના સહયોગ-જનભાગીદારીથી પાર પાડવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરતાં તેમણે જણાવ્યું કે, જિલ્લા વહિવટી તંત્ર દ્વારા સ્વૈચ્છિક સંસ્થાઓ અને સમાજના આગેવાનોના સહકારથી આગામી દિવસોમાં જિલ્લાના તમામ ગામોમાં કોવિડ કેર સેન્ટર શરૂ કરી ભાવનગર જિલ્લાને કોરોના મુક્ત કરવો છે.
શિક્ષણ રાજયમંત્રી વધુમાં ઉમેર્યુ કે, દરેક ગામમાં ૧૦ વ્યક્તિઓની સમિતી બનાવી ટ્રેસિંગ-ટ્રેકિંગ-ટ્રિટમેન્ટની વ્યવસ્થા – ગ્રામજનોનું સર્વેલન્સ – ગામ સેનિટાઇઝ જેવા સઘન ઉપાયો અપનાવી કોરોના સંક્રમણને ઓછું કરવું છે.
જિલ્લા-તાલુકા પંચાયત પ્રમુખો, પદાધિકારીઓ, અગ્રણીઓ અને અધિકારીઓ સાથે ભાવનગર જીલ્લા પંચાયત ખાતે યોજાયેલી બેઠકમાં તેમણે જણાવ્યું કે, જિલ્લા વહિવટી તંત્ર દ્વારા સ્વૈચ્છિક સંસ્થાઓ અને સમાજના આગેવાનોના સહકારથી આગામી દિવસોમાં જિલ્લાના તમામ ગામોમાં કોવિડ કેર સેન્ટર શરૂ કરવામાં આવશે અને તે દ્વારા મારૂં ગામ કોરોનામુકત ગામ અભિયાનને ખરા અર્થમાં સાકાર કરવામાં આવશે.તેમણે ઉમેર્યું કે, ગ્રામીણ જનશક્તિના સહયોગ-જનભાગીદારીથી ‘મારૂં ગામ-કોરોનામુકત ગામ ” આ અભિયાનને સાકાર કરવા માટે રહેવા,ખાવા-પીવાની વ્યવસ્થા સમાજ સહયોગથી ઉભી કરવાની છે.કોરોનાની દવાઇ અર્થાત રસી આવી છે પરંતુ જોઇએ એવી કડાઇ-નિયમ પાલનનું શિસ્ત આપણે દાખવી શકયા નથી. આ માટે ગામના સરપંચો, પંચાયતના પદાધિકારીઓ આગળ આવી એક કમિટીનું ગઠન કરી નિયમિત બેઠક કરે અને ‘મારું ગામ કોરોનામુકત ગામ’ અભિયાનને સફળ બનાવે તેમણે વધુમાં ઉમેર્યું હતું.ભાવનગર જિલ્લા વિકાસ અધિકારી વરુણ બરનવાલે આ અંગેની વિગતો આપતાં જણાવ્યું કે, ભાવનગર જિલ્લામાં ૬૬૭ ગ્રામ પંચાયતો આવેલી છે. આ દરેક ગ્રામ પંચાયત વિસ્તારમાં આવેલી એક- એક સ્કૂલમાં આઈસોલેશનની વ્યવસ્થા ઉભી કરવામાં આવશે.
આ ઉપરાંત આંગણવાડી, સમાજ વાડીમાં પણ જ્યાં જગ્યા ઉપલબ્ધ હોય ત્યાં કોરોના માટે કેર સેન્ટર શરૂ કરવામાં આવશે.
દરેક શાળાઓમાં ટોયલેટ, પાણીની જરૂરી વ્યવસ્થા છે. એ રીતે જિલ્લામાં કુલ ૮૨૦૦ બેડની વ્યવસ્થા કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. તેમણે વધુમાં જણાવ્યું કે, ગામડાઓમાં મોટી ઉંમરના લોકો કોરોનાની વધુ ઝપેટમાં આવી રહ્યા છે તેના મૂળમાં આઈસોલેશનનો તથા પૂરતી કાળજીનો અભાવ છે. તેમણે વધુમાં જણાવ્યું કે, ગામના અન્ય લોકોમાં તેનાથી સંક્રમણ ન ફેલાય તે માટે આઇસોલેશનની વ્યવસ્થા કરવી જરૂરી છે.