સેવાભાવી દ્વારા રૂ.૧૭ લાખથી વધુની કિંમતના ૧૮ ઓક્સિજન કોન્સન્ટ્રેટર સર ટી. હોસ્પિટલને અર્પણ કરાયા

452

ભાવનગર જિલ્લામાં કોરોના સંક્રમણના સમયમાં અનેક સેવાભાવી લોકોએ અનેક રીતે રાજ્ય સરકાર સાથે ખભેખભો મીલાવી કાર્ય કર્યું છે. આવા જ ભાવનગરના સેવાભાવી અને જાણીતી મધુ સિલિકા કંપનીના માલિક દર્શક રમેશભાઇ શાહ દ્વારા આજે ભાવનગરમાં કોરોનાના ગંભીર દર્દીઓની સારવાર માટે ૧૦ લીટર પ્રતિ મિનિટની ક્ષમતાના ૧૮ ઓક્સિજન કોન્સન્ટ્રેટર ભાવનગર સર ટી હોસ્પિટલને અર્પણ કરવામાં આવ્યા છે.
ધારાસભ્ય જીતુભાઇ વાઘાણીની અપીલને પગલે મધુ સિલિકા કંપની તરફથી રૂા.૧૭ લાખથી વધુની કિંમતના ૧૮ ઓક્સિજન કોન્સન્ટ્રેટર સર ટી. હોસ્પિટલને અર્પણ કર્યા હતાં. ભાવનગર મેડિકલ કોલેજ ખાતે યોજાયેલ કાર્યક્રમમાં સર ટી. હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ ડો. જયેશ બ્રમ્હભટ્ટને તે અર્પણ કરવામાં આવ્યાં હતાં. ધારાસભ્ય જીતુભાઇ વાઘાણીએ આ પ્રસંગે જણાવ્યું કે, સેવાભાવીઓએ કોરોનાના કપરાકાળમાં પોતાના સંસ્કારોને ઝળકાવીને અનેક પ્રકારની મદદ કરી છે તે જમવાની, મેડિકલ સાધનો તમામ બાબતોમાં ભાવેણાએ આગળ આવીને કાર્ય કરી સેવાની સુવાસને વધારી છે. આપણે ઇચ્છીએ કે, આ ઓક્સિજન કોન્સન્ટ્રેટરનો ઉપયોગ ન કરવો પડે, પરંતુ કોરોનાનું સંક્રમણ જે રીતે ફેલાયેલું છે તેનો સામનો કરવાં માટે ઓક્સિજનની વ્યવસ્થા હવે કરવી જ પડે તેમ છે. કોરોના સામે લડવાં ઓક્સિજન કોન્સન્ટ્રેટરની આ સગવડ ઉપયોગી બની રહેશે.
ભાવનગર કલેક્ટર ગૌરાંગ મકવાણાએ જણાવ્યું કે, કોરોનાની લહેરમાંથી આપણને અનેક પદાર્થપાઠ શીખવ્યાં મળ્યાં છે. કટોકટીની પળોમાં કોરોનાના દર્દીઓ માટે ઓક્સિજન જીવનરક્ષક બને છે. આવનાર કોરોનાના ત્રીજા વેવ માટેની તૈયારીઓનું આ એ રીતે પ્રથમ પગલું છે તેમણે કહ્યું કે, કોરોનાના ત્રીજા વેવમાં આપણે કોઇપણ પ્રકારની ગફલતમાં રહીએ તે ચાલે તેમ નથી. તેથી આફત પહેલાં જ પાળ બાંધવીએ સમયનો તકાજો છે. ઓક્સિજન કોન્સન્ટ્રેટર ભાવનગરના કોરોનાના ઓક્સિજનની જરૂરીયાતવાળા દર્દીઓ માટે ઉપયોગી બની રહેશે. હયાત ઓક્સિજનની સગવડ ઉપરાંત આ નવી સગવડ ઉભી થતાં સરટી. હોસ્પિટલની ક્ષમતામાં વધારો થશે.
આજે અપાયેલા ઓક્સિજન કોન્સન્ટ્રેટરમાંથી ૧૦-૧૦ લીટરની બે લાઇન કરીને એક સાથે બે દર્દીઓને આપી શકાય તેમ છે. એટલે કે, એક ઓક્સિજન કોન્સન્ટ્રેટર દ્વારા એક યુનિટથી બે દર્દીઓને એક સાથે ઓક્સિજન આપી શકાય તેમ છે. તેથી આજે અપાયેલા ૧૮ ઓક્સિજન કોન્સન્ટ્રેટરથી ૩૬ બેડની તત્કાલિન હોસ્પિટલ ચાલુ કરી શકાય તેવી સગવડ ઉભી થઇ છે .
આ ઓક્સિજન કોન્સન્ટ્રેટર પોર્ટેબલ અને મુવેબલ છે. તેથી તેને ગમે તે જગ્યાએ મૂકી શકાય તેમ હોવાથી વાપરવામાં સગવડતા રહશે. આ અવસરે મધુ સિલિકા કંપનીના ભરતભાઇ શાહ, ઇન્ડિયન મેડિકલ કાઉન્સિલના દર્શકભાઇ, મેડિકલ કોલેજના ડીન, પ્રાધ્યાપકો ઉપસ્થિત રહ્યાં હતાં.