ઝગડો નહીં કરવા સમજાવવા ગયેલ યુવાનની હત્યા કરનાર શખ્સને આજીવન કેદની સજા

487

ભાવનગર, તા. ૯
શહેરના છેવાડે સિદસર રપ વારીયામાં બે વર્ષ પૂર્વે ઝગડો નહીં કરવા સમજાવા ગયેલ યુવાનની મંદિરમાં રાખેલ કટાર છાતીમાં ભોંકી દઇ હત્યા કરવાના બનાવ અંગેનો કેસ આજે ભાવનગર ડિસ્ટ્રીક્ટ કોર્ટમાં ચાલી જતા સરકારી વકીલની દલીલો અને સાક્ષી પુરાવાઓ ગ્રાહ્ય રાખી ડિસ્ટ્રીક્ટ જજ આર.ટી. વાચ્છાણીએ આરોપીને આજીવન કેદની સજા ફટકારી હતી.
બનાવ અંગે પ્રાપ્ત વિગતો મુજબ બે વર્ષ પૂર્વે તા. ૨૫-૦૪-૨૦૧૯ના રોજ સીદસર રપ વારીયામાં રહેતા ગીતાબેન નરેશભાઇ ઝાંઝમેરા સાથે આશિષ જગદીશભાઇ મકવાણા નામનો શખ્સ ઝગડો કરતો હોય ગીતાબેને તેના જમાઇ યોગીરાજસિંહ રાજેન્દ્રસિંહ ગોહિલ ઉ.વ.૨૧ને બોલાવેલ અને યોગીરાજસિંહ આશિષને ઝગડો નહીં કરવા સમજાવવા જતા આશિષે ઉશ્કેરાઇ જઇ મંદિરમાં રાખેલી કટાર લઇ યોગીરાજસિંહની છાતીમાં એક ઘા ઝીંકી દેતા ગંભીર ઇજા કરી મોત નિપજાવેલ. આ બનાવ અંગે મૃતકના પિતા રાજેન્દ્રસિંહ ઉર્ફે રાજભા બાલુભા ગોહિલ ઉ.વ.૫૦ એ ફરિયાદ નોંધાવતા પોલીસે હત્યાની કલમ સહીતનો ગુનો નોંધી આરોપીને ઝડપી લીધેલ.આ બનાવ અંગેનો કેસ ડિસ્ટ્રીક્ટ એન્ડ સેશન્સ કોર્ટમાં ચાલી જતા સરકારી વકીલ વિપુલ દેવમુરારીની દલીલો, ૧૩ સાક્ષી અને ૨૮ દસ્તાવેજી પુરાવાઓ ગ્રાહ્ય રાખી ડિસ્ટ્રીક્ટ જજ આર.ટી. વાચ્છાણીએ હત્યાનો ગુનો સાબીત માની આરોપી આશિષ જગદિશભાઇ મકવાણા ઉ.વ.૨૧ને કસુરવાર ઠેરવી આજીવન કેદની સજા ફટકારી હતી. તેમજ રોકડ દંડ પણ ફટકાર્યો હતો.