મોટા ખોખરા ગામે અંધારીયા તળાવમાં ડૂબી ગયેલા યુવાનનો મૃતદેહ ૨૧ કલાક બાદ મળ્યો

212

૫ યુવાનો તળાવમાં ન્હાવા પડ્યા હતા, ગ્રામજનોએ ૪ યુવાનોને બચાવી લીધા હતા

ભાવનગર શહેરમાં રહેતાં પાંચ જીગરજાન મિત્રો ગત શુક્રવારે બપોરે ઘરે ફાર્મ હાઉસમાં જવાનું કહી નિકળ્યા બાદ મોટા ખોખરા ગામે આવેલા અંધારીયા તળાવમાં ન્હાવા પડ્યાં હતાં જેમાં પાંચેય યુવાનો ડુબવા લાગતાં તળાવ આસપાસના વિસ્તારોમાં રહેતા લોકો એ ચાર યુવાનોને ડુબતા બચાવી લીધા હતા પરંતુ એક યુવાન ઊંડા પાણીમાં ગરકાવ થઇ લાપત્તા બની જતાં તંત્ર તથા ખાસ તરવૈયાઓએ અથાગ જહેમત બાદ ઘટનાના ૨૧ કલાક વિત્યા બાદ ડુબી ગયેલ યુવાનનો મૃતદેહ બહાર કાઢ્યો હતો.સમગ્ર દુઃખદ ઘટના અંગે ઘોઘા પોલીસ તથા ભાવનગર ફાયરબ્રિગેડના અધિકારીઓએ આપેલી માહિતિ મુજબ શહેરના શિવાજી સર્કલ પાસે આવેલ ગાયત્રીનગર વિસ્તારમાં રહેતા સિંધી હરેશભાઇ રાજાઈનો ૧૯ વર્ષીય પુત્ર ચિરાગ તેનો પિત્રાઈ ભાઈ રિતેશ તથા ત્રણ અન્ય બાળપણનાં મિત્રો સાથે ભાવનગરની પ્રખ્યાત ડુંગરમાળ માળનાથ-ખોખરાના ડુંગરોમાં ફરવા જવાનો પ્લાન બનાવ્યો હતો અને ચિરાગે તેનાં ઘરે મિત્રો સાથે ફાર્મ હાઉસે જઈએ છીએ એમ કહી મોટાખોખરા ગામની સીમમાં આવેલા અંધારી ધોધ-તળાવે પહોંચ્યા હતાં. જ્યાં ચિરાગ સહિત ત્રણ મિત્રો તળાવમાં ન્હાવા પડ્યા હતાં પરંતુ આ યુવાનોને તરતા આવડતું ન હોય ડુબવા લાગતાં કાંઠે બેઠેલા યુવાનોએ દેકારો કરતાં આસપાસના ગોવાળો ખેડૂતો દોડી આવ્યા હતા અને ભારે જહેમત બાદ ડૂબતા યુવાનોએ બહાર કાઢ્યાં હતાં

પરંતુ ચિરાગ રાજાઈ ઊંડા પાણીમાં ગરકાવ થઈ જતાં ચિંતાતુર મિત્રોએ તેનાં પરિવાર તથા ખોખરાના ગ્રામજનોને સઘળી હકીકતથી વાકેફ કર્યા હતા.જાગૃત ગ્રામજનોએ ભાવનગર ફાયરબ્રિગેડ તથા ઘોઘા પોલીસને જાણ કરતાં ઘોઘા પોલીસ સાથે મામલતદાર સહિતનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. એ સાથે ભાવનગરથી ફાયરફાઈટરોની ટીમ પણ પહોંચી હતી અને ઊંડા પાણીમાં ગરકાવ ચિરિગની ભાળ મેળવવા પ્રયત્નો હાથ ધર્યા હતાં પરંતુ સફળતા ન મળતાં ઊંડા પાણીમાં તરવાના કુશળ તરવૈયાઓની મદદ લેવામાં આવી હતી. સાંજ ઢળતા અંધારું થઈ જતાં શોધખોળ બંધ કરવામાં આવી હતી અને શનિવારે વહેલી સવારથી પુનઃ તળાવમાં શોધ શરૂ કરી હતી દરમ્યાન બપોરે ૩ઃ૦૦ વાગે ઊંડા પાણીમાં ગરક થઈ ગયેલા ચિરાગનો મૃતદેહ તરવૈયાઓએ શોધી કાઢ્યો હતો અને પાણી માથી બહાર કાઢી ઘોઘા પોલીસને સોંપતા પોલીસે સ્થળપર પંચનામું સહિતની પ્રાથમિક કાર્યવાહી પૂર્ણ કરી લાશને પીએમ માટે હોસ્પિટલમાં મોકલી તેની સાથે રહેલ મિત્રો તથા મૃતકના પરિજનોના નિવેદનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. આ ઘટનાને પગલે મૃતકના મિત્રો-પરીવારમાં ઘેરા શોકનું મોજું ફરી વળ્યું હતું.વારંવાર બનતાં કિસ્સાઓને ધ્યાનમાં લઈ વાલીઓ માટે લાલ બત્તી સમાન…!બાળકોને તળાવ, દરિયાઓ, કૂવાઓ તથા ચેકડેમોમાં ન્હાવા ન જાવા દેવા જોઈએ, ભાવનગર શહેર-જિલ્લામાં આવેલા જળાશયોમાં ઉનાળા-ચોમાસા દરમ્યાન નવ લોહિયાઓ ડુબી મરવાના વ્યાપક બનાવો બની રહ્યાં છે. યુવાનીના ઊંબરે પગ મુક્તા લવર મુછીયાઓ જુવાનીના ઉન્માદમાં ન ભરવાના પગલાંઓ ભરી બેસે છે અને પરિણામ આખી જિંદગી પરિવારને ભોગવવાની નોબત આવે છે આથી આવા યુવાનો સાથે વડીલોએ સંયમ પૂર્વક સમજાવટથી કામ લેવું જોઈએ અજાણ્યા સ્થળોએ કે જળાશયો પર એકલાં ન મોકલવા જોઈએ.

Previous articleકોવિશીલ્ડ રસીથી ગુલિયન બેરી નામની બીમારીનું જોખમ
Next articleચોરીના ૩ મોટર સાઇકલ સાથે વાહન ચોરને ઝડપી પાડતી ગંગાજળીયા પોલીસ ટીમ