પ્રભારી સચિવ સ્વરૂપ પી.ના અધ્યક્ષસ્થાને જિલ્લાના મુખ્ય અધિકારીઓની સમીક્ષા બેઠક યોજાઇ

1118

કોવિડના થર્ડ વેવની તૈયારી, ચોમાસા પૂર્વેની તૈયારી, મહેસૂલી કામગીરી સહિતની કામગીરીની સમીક્ષા કરતાં પ્રભારી સચિવ
ભાવનગર જિલ્લાના પ્રભારી સચિવશ્રી સ્વરૂપ પી. અધ્યક્ષસ્થાને આજે કલેકટર કચેરી ખાતે અધ્યક્ષસ્થાને જિલ્લાના મુખ્ય અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં પ્રભારી સચિવે ભાવનગર જિલ્લામાં કોવિડના થર્ડ વેવની તૈયારી, ચોમાસા પૂર્વેની તૈયારી, મહેસૂલી કામગીરી સહિતની કામગીરીની સર્વગ્રાહી સમીક્ષા હાથ ધરી હતી. પ્રભારી સચિવે જણાવ્યું કે, કોરોનાના બે તબક્કામાં આપણે સારી કામગીરી કરી છે. કોરોનાનો ત્રીજો વેવ આવવાની તજજ્ઞો ચેતવણી આપી રહ્યાં છીએ ત્યારે આપણને કોઇપણ બાબતમાં ચૂક કરવી પાલવે તેમ નથી. આથી, કોરોનાનો ત્રીજો વેવ આવે તે માટેની પૂર્વ તૈયારી જ કોરોનાને નાથવાં માટેનો ઉપાય છે. કોરોનાથી બચવાનો ઉપાય તકેદારી છે તેમ જણાવી તેમણે કહ્યું કે, કોરોના સામે સંરક્ષિત થવાં વધુને વધુ લોકો રસીકરણ કરાવે તે સમયની માંગ છે. પ્રભારી સચિવે જિલ્લામાં કોરોનાના બેડની સ્થિતિ, ઓક્સીજનની ઉપલબ્ધતા વગેરેની સમીક્ષા કરી આગ અકસ્માતના સમયે સર્જાતી કપરી સ્થિતિને નિવારી શકાય તે માટે હોસ્પિટલના સ્ટાફને પણ ફાયરની તાલીમ આપી જ્યાં ઓક્સીજનના બેડ છે ત્યાં રાઉન્ધ ધ ક્લોક એક વ્યક્તિની નોડલ તરીકે નિમણૂંક કરવાં સૂચન કર્યું હતું.
તેમણે જિલ્લામાં ચાલતાં મનરેગાના કામો, આવાસ યોજનાઓ, જળ-સિંચાઇના કામો વગેરેની સમીક્ષા કરવાં સાથે જિલ્લામાં વરસાદ વખતે જરૂરી કાર્યવાહી કરવાં આગોતરું આયોજન કરવાં ઉપસ્થિત અધિકારીઓને માર્ગદર્શન આપ્યું હતું. કોરોનાની મહામારી વચ્ચે પણ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વિકાસના કામો નોંધપાત્ર રીતે કરવામાં આવ્યાં છે તે અંગે સમગ્ર જિલ્લાની ટીમને અભિનંદન આપી કોરોનાની સંભવીત ત્રીજી લહેર સામે પણ સાવચેત રહીને જરૂરી વ્યવસ્થાઓ જળવાઈ રહે તે માટે કામગીરી કરવાં માર્ગદર્શન આપ્યું હતું.તેમણે બાળકોમાં જોવાં મળતાં કૂપોષણમાંથી બહાર નિકળવાં માટે બાળકો, સગર્ભા માતાઓ- ધાત્રી માતાઓ જેટલું જ ધ્યાન કિશોરી પર આપવાં પર ભાર મૂકી દરેક ગામમાં આવી કૂપોષિત કિશોરીઓની યાદી બનાવી ગામની શિક્ષિકાઓ તેમના વિકાસનું ધ્યાન રાખે તેવું માળખું વિકસીત કરવાં સૂચન કર્યું હતું. તેમણે કોરોનાને કારણે અટકેલાં કામો ઝડપથી પૂર્ણ કરી જનસુખાકારીમાં વધારો કરવાં માટે ઉપસ્થિત અધિકારીઓનું માર્ગદર્શન કર્યું હતું. કોરોનાના બે તબક્કામાંથી આપણે ઘણું શીખ્યાં છીએ અને તેના આધાર પર આપણે કોરોનાની સંભવિત ત્રીજી લહેર માટે આગોતરી તૈયારી સાથે તૈયાર રહેવાનું છે તે માટેની હાકલ કરી હતી. પ્રભારી સચિવશ્રીએ તાઉ’તે વાવાઝોડા, પાણી- ગટર, વીજળી, આવાસ યોજનાઓ સહિતની સ્થિતિ જાણી તે અંગેની ઉપયોગી માર્ગદર્શન ઉપસ્થિત અધિકારીઓને આપ્યું હતું. આ બેઠકમાં ભાવનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર એમ.એ. ગાંધી, કલેક્ટર યોગેશ નીરગુડે, જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડો. પ્રશાંત જીલોવા, જિલ્લા પોલીસ વડાશ્રી જયપાલસિંહ રાઠૌડ, જિલ્લાના મામલતદારો, તાલુકા વિકાસ અધિકારીઓ અને જિલ્લાના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

Previous articleભાવનગરમાં રાષ્ટ્રીય લોક અદાલત યોજાઇ
Next articleશ્રીલંકામાં હાર્દિક પંડ્યા, શ્રેણી માટે તૈયારીઓનો વિડીયો વાયરલ