ગુરુ પૂર્ણિમા નિમિતે ભાવનગર શહેરના વિવિધ વિસ્તારોમાં પૂજ્ય બાપાની મઢુલીઓમાં ભાવિભક્તોએ દર્શન કર્યા

241

મઢુલીઓ ખાતે શ્રદ્ધાળુઓ દ્વારા બટુક-ભોજન, પ્રસાદ વિતરણ અને સંતવાણીના કાર્યક્રમોનું આયોજન કરાયું
ભાવનગર શહેર-જિલ્લામાં પૂ.બજરંગદાસ બાપા પ્રત્યે લોકોની આસ્થા સૌથી વધુ છે જેને પગલે દર વર્ષે અષાઢ સુદ પૂનમ-ગુરૂપૂર્ણિમા તથા પોષ વદ ચોથ પૂ.બાપાની નિર્વાણ તિથિની ખાસ ઉજવણી કરવામાં આવે છે અને ભાવનગર શહેર-જિલ્લામાં ગુરૂ ભક્તો દ્વારા પૂ. બાપાની સુંદર મઢુલીઓ બનાવવામાં આવે છે ભાવનગર શહેરમાં આજરોજ વિવિધ વિસ્તારોમાં ભાવિક ભક્તો દ્વારા અવનવી મઢુલીઓ બનાવી વિશેષ શણગાર કરવામાં આવ્યો હતો.

જેમાં મુખ્યત્વે દરવર્ષે ભાવનગર શહેરના ઘોઘાસર્કલ, જિલ્લા પંચાયત, વડવા ચોર, તખ્તેશ્વર મઢુલી, ક્રેસન્ટ સર્કલ, ઘોઘા જકાતનાકા સહિતના વિસ્તારોમાં બાપાની અવનવા શણગાર સાથે મઢુલીઓ બનાવવામાં આવી હતી. શહેરમાં બનાવેલી મઢુલીઓ ખાતે શ્રદ્ધાળુઓ દ્વારા ભક્તોને બટુક-ભોજન, પ્રસાદ વિતરણ, સંતવાણી સહિતના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.

ગત વર્ષે કોરોના મહામારી ચરમસીમાએ હોય આથી ગુરૂપૂનમની ઉજવણી શક્ય બની ન હતી, પરંતુ આ વર્ષે માહોલ સાનુકૂળ હોવાને પગલે ગુરૂ ભક્તો દ્વારા ભાવનગર શહેરમાં તથા ગામડાઓમાં સુંદર મઢુલીઓ તૈયાર કરવામાં આવી છે અને તંત્રની ગાઈડલાઈન મુજબ મહા પૂનમની ઉજવણી કરવામાં આવી રહી છે.