ટેસ્ટ સીરિઝ માટે પૃથ્વી શૉ-સૂર્યકુમાર યાદવ ઈંગ્લેન્ડ જશેઃ BCCI

251

(જી.એન.એસ)ન્યુ દિલ્હી,તા.૨૬
ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ૪ ઓગષ્ટથી શરૂ થનારી ટેસ્ટ સીરિઝ પહેલા ભારતીય ટીમની સ્ક્વોડમાં મહત્વનો ફેરફાર કરવામાં આવ્યો છે. ૩ ખેલાડીઓ ઈજાગ્રસ્ત થયા બાદ કેટલાક નવા ખેલાડીઓને જોડવામાં આવ્યા છે. શ્રીલંકામાં ટી-૨૦ સીરિઝ રમી રહેલા પૃથ્વી શૉ અને સૂર્યકુમાર યાદવને ટેસ્ટ સીરિઝ માટે ઈંગ્લેન્ડ બોલાવવામાં આવ્યા છે. બીસીસીઆઈ દ્વારા સોમવારે સત્તાવાર જાણકારીમાં જણાવવામાં આવ્યું હતું કે, ઓલરાઉન્ડર વોશિંગ્ટન સુંદર, ફાસ્ટ બોલર આવેશ ખાન અને ઓપનર શુભમન ગિલ ઘાયલ હોવાના કારણે ઈંગ્લેન્ડ પ્રવાસમાંથી બહાર થઈ ગયા છે.
વોશિંગ્ટન સુંદરના જમણા હાથની આંગળીમાં ઈજા પહોંચી છે જ્યારે આવેશ ખાનને ડાબા અંગૂઠામાં વાગ્યું છે. ઉપરાંત શુભમન ગિલને ડાબા પગમાં ઈજા પહોંચી છે, તે ટેસ્ટ ચેમ્પિયનશિપમાં ઘાયલ થયો હતો. આ ખેલાડીઓના રિપ્લેસમેન્ટ તરીકે પૃથ્વી શૉ અને સૂર્યકુમાર યાદવને ઈંગ્લેન્ડ મોકલવામાં આવી રહ્યા છે જે હાલ શ્રીલંકામાં ટી-૨૦ સીરિઝ રમી રહ્યા છે.
ભારતને ઈંગ્લેન્ડ સામે ૫ ટેસ્ટ મેચની સીરિઝ રમવાની છે અને પહેલી મેચ ૪ ઓગષ્ટના રોજ ટ્રેંટબ્રિજ ખાતે રમાશે. તે સિવાય ઋષભ પંત કોરોનાને માત આપીને સાજો થઈ ગયો છે અને તે ટેસ્ટ સીરિઝ માટે ફિટ છે. જ્યારે બોલિંગ કોચ બી. અરૂણ, વિકેટકીપર ઋદ્ધિમાન સાહા અને એ. ઈશ્વરન પણ ટીમ સાથે જોડાઈ ગયા છે.