ઓલિમ્પિક્સ ડિસ્ક્સ થ્રોઅરમાં ભારતીય કમલપ્રીત કૌરની થઈ હાર

535

ટોક્યો,તા.૩
ટોક્યો ઓલિમ્પિક્સમાં ભારતની મેડલની આશાને વધુ એક ફટકો પડ્યો છે. ઐતિહાસિક પ્રદર્શન કરનારી ડિસ્ક્સ થ્રોઅર કમલપ્રીત કૌર ટોક્યોમાં મેડલ જીતવામાં નિષ્ફળ રહી છે. સોમવારે રમાયેલી ડિસ્ક્સ થ્રોની ફાઈનલમાં કમલપ્રીત કૌર છઠ્ઠા સ્થાને રહી હતી. કમલપ્રીત પ્રથમ વખત ઓલિમ્પિક્સમાં ભાગ લઈ રહી હતી અને તેણે પ્રથમ ઓલિમ્પિક્સમાં જ પોતાની પ્રતિભાનો ડંકો વગાડી દીધો છે. કમલપ્રીત હજી સુધી ભારત માટે એશિયન ગેમ્સ અને કોમનવેલ્થ ગેમ્સમાં રમી નથી. ટોક્યો ઓલિમ્પિક્સમાં મહિલાઓની ડિસ્ક્સ થ્રો ફાઈનલમાં ફક્ત બે જ એશિયન મહિલા એથ્લેટ ક્વોલિફાઈ થઈ શકી હતી. જેમાં એક કમલપ્રીત કૌર અને બીજી ચીનની ચેન યાંગ હતી જે ૧૦માં સ્થાને રહી હતી. ૨૫ વર્ષીય કમલપ્રીત આઠ રાઉન્ડની સ્પર્ધામાં એક પણ વખત મેડલની રેસમાં જોવા મળી ન હતી. તેણે ત્રીજા રાઉન્ડમાં પોતાનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરતા ૬૩.૭૦ મીટરનો થ્રો કર્યો હતો અને છઠ્ઠા સ્થાને રહી હતી. આમ તેના માટે ફાઈનલ નિરાશાજનક રહી હતી. મહિલાઓની ડિસ્ક્સ થ્રો સ્પર્ધાનો ગોલ્ડ મેડલ અમેરિકાની વાલારિ ઓલમેનના નામે થયો છે. તેણે ૬૮.૯૮ મીટરના અંતર સાથે ગોલ્ડ મેડલ જીત્યો છે. જ્યારે જર્મનીની ક્રિસ્ટિન પુડેન્ઝે ૬૬.૮૬ મીટર સાથે સિલ્વર અને ક્યુબાની યામી પેરેઝે ૬૫.૭૨ મીટર સાથે બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. જોકે, ફાઈનલને બાદ કરતા કમલપ્રીતનું પ્રદર્શન પ્રભાવશાળી રહ્યું છે અને ભવિષ્યમાં તેની પાસેથી અપેક્ષાઓ પણ વધી ગઈ છે. કમલપ્રીત સમગ્ર સ્પર્ધા દરમિયાન તેના પર્સનલ કોચ વગર રમી રહી હતી. પ્રથમ વખત મોટી આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં રમી રહી હોવાના કારણે તેનામાં આત્મવિશ્વાસની ઉણપ પણ જોવા મળી હતી. તેણે અગાઉ ૨૦૧૭માં વર્લ્ડ યુનિવર્સિટી ગેમ્સમાં ભાગ લીધો હતો જે તેની એકમાત્ર આંતરરાષ્ટ્રીય સ્પર્ધા હતી.

Previous articleગાવાસકરે ભવિષ્યવાણી કરી, ભારત ઈંગ્લેન્ડ સામે ૪-૦ અથવા ૩-૧થી સિરિઝ જીતશે
Next articleટીમ ઈન્ડિયાને મોટો ઝટકોઃ મયંક અગ્રવાલ ઈજાગ્રસ્ત થતા પહેલી ટેસ્ટમાંથી થયો બહાર