જેમ્સ એન્ડરસને ટેસ્ટ ક્રિકેટમાં ૬૨૦ વિકેટ ઝડપી અનિલ કુંબલેનો રેકોર્ડ તોડ્યો

726

નોટિંગહામ,તા.૭
ઈંગ્લેન્ડના દિગ્ગજ ઝડપી બોલર જેમ્સ એન્ડરસને ભારત વિરુદ્ધ રમાઈ રહેલી પ્રથમ ટેસ્ટ ક્રિકેટ મેચના ત્રીજા દિવસે શુક્રવારે ભારતના લિજેન્ડરી સ્પિનર અનિલ કુંબલેના રેકોર્ડને તોડી નાંખ્યો છે. એન્ડરસને ઓપનર લોકેશ રાહુલને આઉટ કર્યો હતો અને આ સાથે જ તેણે કુંબલેને પાછળ રાખી દીધો હતો.પ્રથમ ટેસ્ટના પ્રથમ દાવમાં જેમ્સ એન્ડરસને તરખાટ મચાવ્યો છે. તેણે બીજા દિવસે ચેતેશ્વર પૂજારાને સસ્તામાં આઉટ કર્યો હતો અને બાદમાં સુકાની વિરાટ કોહલીને પણ પેવેલિયન ભેગો કરી દીધો હતો. કોહલીને તો તેણે ખાતું પણ ખોલવા દીધું ન હતું. જ્યારે ત્રીજા દિવસે તેણે ઈંગ્લેન્ડ માટે જોખમી બનેલા ઓપનર લોકેશ રાહુલને આઉટ કર્યો હતો. રાહુલે ૮૪ રનની ઈનિંગ્સ રમી હતી. ત્યારબાદ તેણે શાર્દૂલ ઠાકુરને આઉટ કર્યો હતો. રાહુલની વિકેટ ટેસ્ટ ક્રિકેટમાં જેમ્સ એન્ડરસનની ૬૨૦મી વિકેટ હતી. જ્યારે અનિલ કુંબલેએ તેની કારકિર્દીમાં ૬૧૯ ટેસ્ટ વિકેટ ઝડપી છે. ટેસ્ટમાં સૌથી વધુ વિકેટ ઝડપવાના મામલે જેમ્સ એન્ડરસન ત્રીજા ક્રમે આવી ગયો છે. આ યાદીમાં શ્રીલંકન સ્પિનર મુથૈયા મુરલીધરન ૮૦૦ વિકેટ સાથે ટોચ પર છે. જ્યારે ઓસ્ટ્રેલિયન જાદૂઈ સ્પિનર શેન વોર્ન ૭૦૮ વિકેટ સાથે બીજા ક્રમે છે. જોકે, એન્ડરસન સૌથી વધુ ટેસ્ટ વિકેટ ઝડપનારો ઝડપી બોલર છે. ટેસ્ટમાં સૌથી વધુ વિકેટ ઝડપનારા ટોપ-૫ની યાદીમાં જેમ્સ એન્ડરસન બાદ બીજો ઝડપી બોલર ઓસ્ટ્રેલિયાનો ગ્લેન મેકગ્રા છે. મેકગ્રાએ ૫૬૩ વિકેટ ઝડપી છે અને તે સૌથી વધુ વિકેટ ઝડપવાના મામલે પાંચમાં ક્રમે છે. જેમ્સ એન્ડરસન ટેસ્ટમાં ઘરઆંગણે એક ટીમ સામે સૌથી વધુ વિકેટ ઝડપનારો બોલર બની ગયો છે. તેણે ભારત વિરુદ્ધ ઘરઆંગણે ૮૭ વિકેટ ઝડપી છે. જ્યારે બીજા ક્રમે ભારતીય સ્પિનર હરભજન છે. હરભજને ઓસ્ટ્રેલિયા સામે ઘરઆંગણે ૮૬ વિકેટ ઝડપી હતી. ઈંગ્લેન્ડના સ્ટુઅર્ટ બ્રોડે ઓસ્ટ્રેલિયા સામે ૮૪ અને ઈયાન બોથમે પણ ઓસ્ટ્રેલિયા સામે ૭૯ વિકેટ ઝડપી હતી.