ભાવનગરના ‘અટલ બિહારી વાજપેયી ઓપન એર થિયેટર’ મોતીબાગ તથા જિલ્લાના તાલુકા સ્થળો ખાતે ‘વિકાસ દિવસ’ ના કાર્યક્રમો યોજાયાં

174

‘વિકાસ દિવસ’ અંતર્ગત ભાવનગરનાં વિવિધ તાલુકાના ૩૬૦ આવાસોનું પ્રધાનમંત્રી ગ્રામીણ આવાસ યોજના હેઠળ આવાસોનું લોકાર્પણ : ભાવનગર વિભાગ દ્વારા બી.એસ.સી. નોર્મ-૬ હેઠળની કુલ રૂ.૧૨૫ લાખના સુપર એક્સપ્રેસ છ નવી બસોને ફ્લેગ ઓફ
તા.૧લી ઓગસ્ટથી સમગ્ર રાજ્યમાં ’સુશાસનના પાંચ વર્ષ’ ના સુશાસનના સેવાયજ્ઞના કાર્યક્રમ અંતર્ગત ભાવનગર જિલ્લામાં પણ તા.૧ થી ૯ ઓગસ્ટ સુધી શ્રેણીબદ્ધ કાર્યક્રમો યોજાઇ રહ્યાં છે. તે અંતર્ગત આજે આ કડીના સાતમાં દિવસે ભાવનગર જિલ્લામાં ‘વિકાસ દિવસ’ અંતર્ગત ભાવનગરના ‘અટલ બિહારી વાજપેયી ઓપન એર થિયેટર’ મોતીબાગ ખાતે જિલ્લા કક્ષાનો તથા જિલ્લાના તાલુકા મથકો ખાતે ‘વિકાસ દિવસ’ ના કાર્યક્રમો યોજાયાં હતાં. ‘વિકાસ દિન’ નિમિત્તે ભાવનગરનાં વિવિધ તાલુકાના ૩૬૦ આવાસોનું પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ હેઠળ આવાસોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. જે પૈકી ૧૦ લાભાર્થીઓને પ્રતિકાત્મક રૂપે ટાઉનહોલ ખાતેના કાર્યક્રમમાં હુકમ એનાયત કરવામાં આવ્યાં હતાં. અન્ય લાભાર્થીઓને તાલુકા કક્ષાએથી હુકમો એનાયત કરવામાં આવ્યાં હતાં. આમ, માત્ર એક જ દિવસમાં ભાવનગરના ૩૬૦ પરિવારોનું ઘરના ઘરનું સ્વપ્ન પૂર્ણ થયું છે. આ ઉપરાંત, ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમના ભાવનગર વિભાગ દ્વારા જાહેર જનતાના પરિવહન માટે બી.એસ.સી. નોર્મ-૬ હેઠળની કુલ રૂ.૧૨૫ લાખના સુપર એક્સપ્રેસ છ નવી બસોને ફ્લેગ ઓફ કરવામાં આવ્યું હતું.

આ સાથે માર્ગ અને મકાન વિભાગના કુલ રૂ.૪૨૦૧.૫૦ લાખના વિવિધ વિકાસ કાર્યોના ખાતમુહૂર્ત કરવામાં આવ્યાં હતાં. “નલ સે જલ” યોજના હેઠળ પાણી પુરવઠા વિભાગના ભાવનગર જિલ્લાના કુલ ૨૩ ગામોના રૂ.૩૮૯ લાખના કામોના ડિજિટલી ખાતમુહૂર્ત કરવામાં આવ્યાં હતાં. આ સંદર્ભમાં તેમણે કહ્યું કે, વિકાસ દિવસ અંતર્ગત એક જ દિવસમાં હજારો કરોડના કાર્યો જનતાની સેવામાં મૂકાયાં છે. દિલ્હીમાં ગુજરાતન બે સપૂતો વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી અને ગૃહ મંત્રી અમિતભાઇ શાહ બેઠાં છે તેમણે ગુજરાતને બે ખોબે જે માંગ્યું તે પૂરી પાડી વતનનું એક રીતે ઋણ અદા કર્યું છે. આજથી માદરે વતન યોજનાની શરૂઆત થઇ છે પરંતુ આ બંનેએ તો ગુજરાતની સેવા કરીને સાચા અર્થમાં અગાઉથી જ ચરિતાર્થ કરી બતાવી છે.ધારાસભ્ય આર.સી. મકવાણાએ જણાવ્યું કે, આ સરકાર સંવેદનશીલ છે તેથી કોરોનાના કપરાં કાળમાં પણ કોઇને ભૂખ્યાં ન સુવું પડે તેની કાળજી રાખી હતી. બે દિવસ પહેલાં વડાપ્રધાનશ્રીએ અંત્યોદય કાર્ડધારકો માટે વધારાના ૫ કિલો અનાજ આપવાની શરૂઆત કરાવી છે. આ રીતે આ સરકાર વંચિતો, શોષિતો અને પીડિતોની છે. તેમની પીડામાં આ સરકાર પડખે ઉભી રહી છે. આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના પ્રમુખ ભરતસિંહ ગોહિલ, જિલ્લા ભા.જ.પ. પ્રમુખ મુકેશભાઇ લંગાળીયાએ પ્રાસંગિક પ્રવચન કર્યું હતું. જિલ્લા વિકાસ અધિકારીશ્રીએ સ્વાગત પ્રવચન કર્યું હતું. આ કાર્યક્રમમાં ગૃહ મંત્રીએ વર્ચૂઅલી ઉપસ્થિત રહીને વતન પ્રેમ યોજનાની શરૂઆત કરાવી હતી. આ ઉપરાંત તેમણે રાજ્યના અનેક ખાતમુહુર્ત અને લોકાર્પણ કર્યા હતાં. કેન્દ્રીય મંત્રીશ્રી નીતિન ગડકરી પણ ઓનલાઇન ઉપસ્થિત રહ્યાં હતાં. આ પ્રસંગે નાયબ જિલ્લા વિકાસ અધિકારી રાહુલ ગમારા, કારોબારી ચેરમેન પ્રવિણભાઇ સહિતના પદાધિકારીઓ-અધિકારીઓ તથા આવાસ મેળવનાર લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.