ભાવનગર જિલ્લા સ્થાનિક સ્વરાજની સામાન્ય ચૂંટણી યોજાઈ

674
bvn23418-7.jpg

ભાવનગર જિલ્લાની ૧૧૬ ગ્રામ પંચાયતોની પેટા ચૂંટણી માટે આજે શાંતિપૂર્ણ માહોલ વચ્ચે ચૂંટણી યોજવામાં આવી હતી. ચુસ્ત બંદોબસ્ત વચ્ચે યોજાયેલ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં સરેરાશ ૭પ ટકા જેવું ધીંગુ મતદાન થયું છે. ભાવનગર જિલ્લાની સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ માટે લોકોમાં છેલ્લા કેટલાક સમયથી ભારે ઉત્તેજનાભર્યો માહોલ જોવા મળી રહ્યો હતો. ૧૧૬ ગ્રામ પંચાયતોમાં ૪ સરપંચ તથા ૧૧ર ગ્રામ પંચાયત કમિટીના સભ્યો માટે આજરોજ જિલ્લા ચૂંટણી અધિકારીની આગેવાની હેઠળ આજે સવારે ૮ થી સાંજના પ વાગ્યા દરમ્યાન મતદાન યોજાયું હતું. સરેરાશ મતદાન ૭પ ટકા જેવું નોંધાવા પામ્યું છે. ર સામાન્ય અને કુલ ૩ પેટા ચૂંટણી માટે મતદાન યોજાયું હતું. તા.ર૧-૪ અને રર-૪ બે દિવસ દરમ્યાન ચૂંટણી કામગીરી ચાલી હતી. ગત તા.ર૧-૪ને શનિવારના રોજ ઈવીએમ મશીનો સાથે કર્મચારીઓ તથા પોલીસ જવાનોને સાંજે પ વાગે જે-તે ગામમાં બુથની ફાળવણી કરી દેવામાં આવી હતી. ભાવનગર, ઘોઘા, ઉમરાળા, સિહોર, તળાજા તાલુકા હેઠળના ગ્રામ્ય પંથકમાં ચૂંટણી યોજવામાં આવી હતી. સવારે મતદાનનો પ્રારંભ થતાની સાથે જ લોકો ઉત્સાહભેર મતદાન અર્થે બુથ પર ભારે ભીડ સાજે લાંબી કતારો જોવા મળી હતી. પરંતુ મધ્યાંતર સાથે લોક ઉત્સાહમાં થોડી ઉણપ આવી હતી પરંતુ બપોર બાદ ફરી લોકો મોટીસંખ્યામાં મતદાનની પવિત્ર ફરજ અદા કરવા માટે આવી પહોંચ્યા હતા. કાળઝાળ ગરમીના માહોલ વચ્ચે પણ લોકોનો સ્વયંભુ ઉત્સાહ જોવા મળ્યો હતો. જો કે સવારથી સાંજ સુધીમા કોઈપણ બુથમાં ગેરરીતી અગર અનઈચ્છનિય બનાવ નોંધાવા પામ્યો ન હતો. હા કેટલાક મતદાન મથકો પર ઈવીએમ મશીનો બંધ પડતા બંધ મશીનોને હટાવી તુરંત બીજા મશીનની વ્યવસ્થા કરવામાં આવી હતી. તો બીજી તરફ ગ્રામજનો તથા સેવાભાવીઓ દ્વારા મતદાન મથક પર ઠંડા પાણી, છાશ તથા સરબતનું વિતરણ કરવામાં આવ્યું હતું. આગામી તા.ર૪-૪ના રોજ તાલુકા મથક ખાતે મતગણતરી હાથ ધરવામાં આવશે અને બપોર સુધીમાં ઉમેદવારોના ભાવી જાહેર કરી દેવામાં આવનાર હોવાનું જાણવા મળ્યું છે.