જૈન સમાજનાં પર્યુષણ મહાપર્વનો આસ્થાભેર પ્રારંભ

105

જૈન સમાજનાં પર્વાધિરાજ પર્યુષણ મહાપર્વનો આજથી આસ્થાભેર પ્રારંભ થયો છે. હવે સતત આઠ દિવસ સુધી જૈન સમાજ ભક્તિભાવમાં લીન રહેશે અને અનેક લોકો અઠ્ઠાઈ, પાસ ક્ષમણ સહિત આરાધના કરશે જ્યારે દરરોજ સવાર સાંજ દેરાસરો અને ઉપાશ્રયોમાં પ્રતિક્રમણ તથા વ્યાખ્યાનો પણ યોજાશે પર્યુષણ પર્વ નિમિત્તે શહેરનાં દાદાસાહેબ સહિત વિવિધ દેરાસરો તેમજ ઉપાશ્રયોને આકર્ષક શણગાર પણ કરવામાં આવ્યા છે. જૈન શાસનમાં ઉજવાતા પર્વો આત્મના કલ્યાણને કરનારા હોય છે. તેમાં પર્યુષણ પર્વ વિશેષ કરીને આત્મકલ્યાણમાં સહાયક બને છે ભૂતકાળમાં વ્યવહાર એવો હતો કે પર્યુષણ મહાપર્વ આવે તેના મહિના પહેલાથી જ તેની આરાધના માટેની તૈયારીઓ થઈ જતી. જો પોતાને ત્યા ગુરૂ ભગવતનું ચાર્તુમાસ હોય તો આજુબાજુના સંઘોને પણ પોતાને ત્યાં આરાધના કરવા નિમંત્રણ અપાતું અને આઠ દિવસ સુધી કોઈ જાતની હિંસા ન થાય તેની ખાસ કાળજી લેવાતી.

આ દિવસોમાંં જૈન તપધર્મનો મહિમા છે તેમ વાડપૂર્વક શીલધર્મનું પણ પાલન કરવાનું છે. સંપૂર્ણ શીલ પાલન પૂર્વક આરાધના કરતા ચીત્ત એકાગ્ર બને છે. તેથી અપૂર્વ ઉલ્લાસ અને સુંદરભાવ જાગે છે એ જ રીતે દાન ધર્મ માટે આ પર્વ અજોડ છે. ગુરૂભગવંતો કલ્પસુત્ર શ્રવણ કરાવવા દ્વારા જ્ઞાનદાન કરે જ્યારે ગુરૂભગવંતોને આહારઆદી દાન દ્વારા સુપાત્રદાન સાતેય ક્ષેત્રોને તરતા કરવા માટે સુપાત્રદાન ગરીબદીન અનાથોના ઉધ્ધારરૂપ અનુકંપાદાન, મુંગા અબોલ પશુ પંખીઓને જીવદયા દાન શ્રેષ્ઠ છે. પર્યુષણ પર્વ નિમિત્તે શહેરના દાદાસાહેબ સહિત વિવિધ દેરાસરોને તેમજ ઉપાશ્રયોને આકર્ષક શણગાર કરવામાં આવ્યો છે. આજથી જ દેરાસરોમાં સવારે પ્રભુજીની આંગીના દર્શન, તેમજ પ્રતિક્રમણ અને વ્યાખ્યાન સહિત ધાર્મિક કાર્યક્રમોમાં જૈન ભાઈઓ બહેનો ઉમટી પડ્યા હતા. આમ આઠ દિવસ સુધી જૈન સમાજમાં સતત ધાર્મિક માહોલ છવાયેલો રહેશે અને ઋષીપાંચમના દિવસે તપસ્વીઓના પારણા તેમજ શોભાયાત્રા સહિતના આયોજનો કરાશે.

Previous articleઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ મેચમાં ભારતની હાર બાદ કોહલી એક્શન મોડમાં…
Next articleકામધેનુ સમાન ગૌ માતાની અંતિમ યાત્રામાં તોતણીયાળા ગામ સમસ્ત ઉમટી પડ્યું