વિજળીના તેજ ચમકારા સાથે કડાકા ભડાકાથી વાતાવરણ ગુજી ઉઠ્યું

139

ખરકડી ગામે મંદિર પર વિઝળી પડી

ધોધમાર વરસાદ સાથે કર્ણભેદી કડાકા ભડાકા એ પણ જમાવટ કરી હતી દરમ્યાન ઘોઘા તાલુકાના ખરકડી ગામે જોરદાર કડાકા સાથે ગામમાં આવેલ રામદેવપીર ના મંદિર ઉપર વિજળી પડતાં ઘૂમ્મટ ને ખાસ્સુ નુકશાન થયું હતું તથા મંદિરમાં રહેલ અંન્ડરગ્રાઉન્ડ વાયરીંગ બળી જવા પામ્યું હતું આ વિજળી ઘુમ્મટ પર પડી વિજલાઈન વાટે જમીનમાં સમાઈ ગઈ હતી જોકે મંદિરમાં રહેલી રામદેવપીર ની મૂર્તિ ને ઉની આંચ પણ આવી ન હતી.!

ભાવનગર શહેર-જિલ્લામાં ભાદ્રમાસ ના પ્રારંભથી જ ધોધમાર મેઘ મહેર વરસી રહી છે અષાઢ, શ્રાવણ માસમાં વરસાદની ખાસ્સી ઘટ રહ્યાં બાદ ભાદરવા માસમાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યાં છે શહેર-જિલ્લા માં સચરાચર વૃષ્ટિ ને પગલે હરીયાળી ચાદર સાથે લોકો-ધરતીપૂત્રો માં હરખની હેલી છવાઈ છે.આ વર્ષે અષાઢ તથા શ્રાવણ માસ કોરા ધાકોડ વિતતા લોકો માં ઘેરી નિરાશા સાથે દુષ્કાળ નો ભય ફેલાયો હતો પરંતુ ભાદરવા મહિના ના પ્રારંભ સાથે જ કુદરતની કપરી કસોટીનો જાણે અંત આવ્યો હોય તેમ છેલ્લા છ દિવસથી વરસાદી માહોલ સર્જાયો છે આ વરસાદી માહોલ ને પરિણામે લોકો ના ઊંચક હૈયા હેઠાં બેઠા છે ભાવનગર શહેરમાં શનિવારે રાત્રે ગાજવીજ સાથે ધોધમાર વરસાદ શરૂ થયો હતો અને ગણતરીના કલાકોમાં ત્રણ ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો જિલ્લામાં સૌથી વધુ વરસાદ ઘોઘા માં પડ્યો હતો ઘોઘામા સાડા ત્રણ ઇંચ વરસાદ નોંધાયો હતો જયારે જિલ્લા ના અલગ અલગ તાલુકાઓમાં એક થી લઈને અઢી ઇંચ જેવો વરસાદ થતાં નદીઓ માં પુર આવ્યાં હતાં ભાદરવા માસે સામાન્યતઃ ખંડવૃષ્ટિ થતી હોય છે પરંતુ આ વર્ષે ભાદરવા માસે અષાઢી મેઘ મંડાયા છે ગાજવીજ સાથે શરૂ થતો વરસાદ અષાઢી માહોલ સર્જે છે તથા રવિવારે પણ વરસાદ કટકે કટકે શરૂ રહ્યો હતો જિલ્લામાં જેસર તાલુકામાં રવિવારે સાંજ સુધીમાં અડધો ઇંચ વરસાદ થયો હતો આ વરસાદ રાહતનો વરસાદ સાબિત થઈ રહ્યો છે.

Previous articleસિહોર ખાતે ત્રિદિવસીય ગ્રામ સંજીવની સમિતિ તાલીમ સેમિનાર યોજાયો
Next articleગોતા તળાવને પિકનિક સ્થળ તરીકે વિકસાવાશે