ભાવનગર ખાતે વિસ્તરણ પામનાર નવા સર્કિટ હાઉસનું ઇ-ખાતમૂહૂર્ત કરતાં મુખ્યમંત્રી

869

ભાવનગરના વાઘાવાડી રોડ સ્થિત જૂના સર્કીટ હાઉસની બાજુમાં જ રૂ.૬.૫૦ કરોડના ખર્ચે નવનિર્મિત થનાર સર્કિટ હાઉસનું વર્ચ્યુઅલી લોકાર્પણ કરતા મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે, સેવા અને સમર્પણ ભાવથી જનતાની સેવામાં અમે રત છીએ. અમારી કાર્યપદ્ધતિથી સૌ વાકેફ છે. અમે સૌના સાથ – સૌના વિકાસ અને સૌના વિશ્વાસના મંત્ર સાથે આગળ વધનારા લોકો છીએ.
તેમણે વધુમાં જણાવ્યું કે, અમારી કાર્ય પધ્ધતિ પારદર્શક છે અને તેથી જ અમે જનતા – જનાર્દન અમને સરળતાથી મળી શકે તે માટે માર્ગ મોકળો કરી દીધો છે.
પ્રજાજનોને તેમના પ્રશ્નો – સમસ્યાઓમાં કોઈ મુશ્કેલી ન પડે તે માટે અમે જવાબદારીથી દાયિત્વ નિભાવીશુ તેઓ વિશ્વાસ તેમણે દર્શાવ્યો હતો.
તેમણે વધુમાં ઉમેર્યું કે, અમે છેવાડાના માનવીનો વિચાર કરીને કાર્ય કરી રહ્યાં છીએ. દિવાળી સુધી પ્રજાજનને વિનામૂલ્યે અનાજ મળે તેની વ્યવસ્થા કરી છે. કોરોનામાં લોકોની રોજગારી ન છૂટે તે માટે પણ પૂરતા પ્રયત્નો કર્યા છે. આઝાદીના અમૃત મહોત્સવની આપણે ઉજવણી કરી રહ્યાં છીએ.ત્યારે સ્વચ્છતા, ગેસ – વીજળી કનેક્શન, શૌચાલય વગેરે જેવી નાની-નાની બાબતોનું ધ્યાન રાખીને પ્રજાની સેવા કરી છે. કોરોના કાળનો ઉલ્લેખ કરીને તેમણે કહ્યું કે, સૌએ સાથે મળીને કાર્ય ન કર્યું હોત તો આપણી સ્થિતિ અત્યારે ખરેખર કેવી હોત ?. દુનિયાના સમૃદ્ધ અને વિકસિત દેશો પણ કોરોનાને નાથવામાં અસફળ રહ્યાં છે, તેવા સમયે આપણે કોરોનાનો સફળતાથી સામનો કર્યો છે. નવલા નોરતાના પ્રથમ દિવસે જ આજે રાજ્યમાં અનેક વિકાસના કાર્યોનો લોકાર્પણ અને ઇ- ખાતમુહૂર્ત થયાં છે. જે રાજ્યમાં એર, રેલવે,રોડ કનેક્ટિવિટી મજબૂત હોય તે રાજ્ય અને દેશ વિકાસના પંથે ચોક્કસ આગળ વધી શકે છે તેઓ વિશ્વાસ તેમણે દર્શાવ્યો હતો. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીને જનતા- જનાર્દનની સેવામાં આજે ૨૦ વર્ષ થયાં છે તેનો ઉલ્લેખ કરીને તેમણે કહ્યું કે, વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં અને તેમની બતાવેલી કેડી પર અમે સૌ જવાબદારીથી ચાલીને જનતાના આશીર્વાદથી વિકાસના નવા નવા શિખરો સર કરી પ્રજાના ચરણે ધરી રહ્યાં છીએ. શિક્ષણ મંત્રીશ્રી જીતુભાઈ વાઘાણીએ આ અવસરે તેમનાં વિડીયો સંદેશમાં જણાવ્યું કે, રાજ્યમાં જરૂરિયાત પ્રમાણે વ્યવસ્થાઓ ઊભી થાય તે માટે રાજ્ય સરકાર પ્રયત્નશીલ છે. તે અંતર્ગત આજે એક સાથે અનેક લોકાર્પણ અને ખાતમૂહૂર્ત થવા જઈ રહ્યાં છે તે આનંદની વાત છે. ઘણા સમયથી નવું સર્કિટ હાઉસ બનાવવા માટેની માગણી હતી તે આજે પૂરી થવા જઈ રહી છે. સાંસદ શ્રીમતી ભારતીબેન શિયાળ જણાવ્યું કે, ભાવનગરની સુવિધાઓમાં દિનપ્રતિદિન વધારો થઈ રહ્યો છે. ત્યારે જૂનું સર્કિટ હાઉસ નાનું પડતું હતું. ભાવનગર એ સમુદ્ર કિનારાનું રાજ્યના છેવાડે આવેલું નગર છે.

ઐતિહાસિક અને વિકસતાં આ શહેર માટે રાજ્ય અને કેન્દ્ર સરકારની અનેક યોજનાઓના લાભ દ્વારા વિકાસ થવામાં લાભ મળ્યો છે, ત્યારે અનેક અતિથિઓ પણ આ શહેરની મુલાકાતે પધારતા હોય છે. આ સર્કિટ હાઉસમાં રોકાનાર અતિથિઓ ભાવનગર શહેરની એક છાપ પણ પોતાની સાથે લઈને જતાં હોય છે. તેમણે વધુમાં જણાવ્યું કે, સર્કિટ હાઉસ વિકસતાં જતાં ભાવનગર માટે વિકાસનું કેન્દ્ર બને તે જરૂરી હતું. નવનિયુક્ત મુખ્યમંત્રીશ્રીએ આ માટેની ત્વરિત મંજૂરી આપી અને તેનું એ ઇ- ખાતમુહૂર્ત આજે કર્યું છે એ આપણા સૌ માટે આનંદ અને ગૌરવની બાબત છે. ભાવનગરના મેયર શ્રીમતી કીર્તિબેન દાણીધારિયાએ જણાવ્યું કે, આજે એક મોટું કાર્ય સંપન્ન થવા જઈ રહ્યું છે. લાંબા સમયથી જે આપણું સ્વપ્ન હતું તે સાકાર થઇ રહ્યું છે. ભાવનગરમાં અદ્યતન ટેકનોલોજી સાથેનું અતિઆધુનિક સર્કિટ હાઉસ નિર્માણ થવાથી ભાવનગર શહેરની માળખાકીય સુવિધામાં વધારો થયો છે. જિલ્લા કલેકટર શ્રી યોગેશ નિરગુડે જણાવ્યું કે, જૂનાં સર્કિટ હાઉસની જગ્યાએ નવું સર્કિટ હાઉસ બનવા જઈ રહ્યું છે તે આનંદની વાત છે. અગાઉ જિલ્લામાં જ્યારે વી.આઇ.પી. પધારે ત્યારે ચિંતા રહેતી હતી કે તેમને રોકાવાની વ્યવસ્થા ક્યાં કરીશું. પરંતુ હવે નવું અદ્યતન સર્કિટ હાઉસ બનવાથી આ ચિંતા દૂર થશે. માર્ગ અને મકાન વિભાગ દ્વારા પણ ઝડપથી આ કાર્ય પૂર્ણ કરવામાં આવે તેવી અપેક્ષા તેમણે વ્યક્ત કરી હતી. આ અવસરે જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી ભરતસિંહ ગોહિલ, ડેપ્યુટી મેયર શ્રી કુમારભાઇ શાહ, મ્યુનિસિપલ કમિશનર શ્રી એમ.એ. ગાંધી, જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડો. પ્રશાંત જિલોવા, જિલ્લાના વરિષ્ઠ પદાધિકારીઓ અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં

Previous articleખેડા જિલ્લામાંથી રાજપરા ખોડિયાર ધામ દર્શને આવી રહેલા શ્રદ્ધાળુઓની કારને આઇશરે ટક્કર મારી, 4 દર્શનાર્થીઓ ઇજાગ્રસ્ત
Next articleભાવનગરમાં ચોરીના 17 મોબાઈલ સાથે એક શખ્સ ઝડપાયો