ગુજરાત રાજયમાં વસ્તા અતિ પછાત જાતિના ફકીર સમાજને એસ.સી./ એસ.ટી.માં માસવેશ કરવા અને આ વંચિત સમાજના ઉત્કર્ષ વિકાસ માટે સરકાર દ્વારા વિશેષ પેકેજ જાહેર કરવામાં આવે અને આ સમાજને બીપીએલ કાર્ડ મળી રહે તેવી માંગ સાથે આજરોજ ભાવનગર શહેરના ઝિન્દાશાંમદાર મુસ્લિમ ફકીર જમાતની આગેવાની હેઠળ ભાવનગરના અધિક જીલ્લ કલેકટર ઉમેશ વ્યાસને રૂબરૂ મળી આવેદનપત્ર પાઠવી ઉચ્ચકક્ષાએ રજુઆત કરવા માંગ કરી હતી. આજરોજ ગુરૂવારે ઝીન્દાશાંમદાર મુસ્લિમ ફકીર જમાતના આગેવાનો દ્વારા શહેર જિલ્લાનું સંમેલન અને સમાજનું જનરલ સભા શહેરના અરબ જમાતાખાના, સાંઢીયાવાડ, ભાવનગર ખાતે મળ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં સમાજના આગેવાન, કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતાં. ત્યાર બાદ સાંજે ૪ કલાકે ભાવનગરના જિલ્લા અધિક કલેકટર ઉમેશ વ્યાસને રૂબરૂ મળી સમાજના આગેવાનો દ્વારા આવેદનપત્ર પાઠવી રજુઆત કરવામાં આવી હતી. ફકીર સમાજ ભિક્ષા વૃત્તિ સાથે સંકળાયેલો સમાજ છે. મુસ્લિમ ધાર્મિક સ્થાનો, જેવા કે દરગાહ શરીફ, કબ્રસ્તાન, મસ્જીદ, ઈશગાહ, તકીયા, જેવી પવિત્ર સ્થાનોમાં સેવા પૂજા કરી અથવા તો લત્તે લત્તે ભિક્ષાવૃત્તિ કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. શિક્ષણનું પ્રમાણપત્ર નહિવત છે. ત્યારે ફકિર સમાજના હક્ક અને અધિકાર માટે અને પ્રગતિ અને વિકાસ માટે ફકિર સમાજને એસ.સી. એસ.ટી. વર્ગમાં સમાવેશ કરવામાં આવે અને તેનો લાભ ફકિર સમાજને મળે તેવી આવેદનપત્રમાં માંગ કરવામાં આવી હતી. આ પ્રસંગે ગુજરાત ફકીર સમાજના પ્રમુખ એ.બી. ફકીર, કોર્પોરેટર ઈકબાલભાઈ આરબ, દિલાવર કનોજીયા, ફિરોજ જાથા, ફારૂકભાઈ સૈયદ, દિલાવરહુસૈન કુરેશી, યુનુસ કાદરી, જાકીરહુસેન કુરેશી, કાળુભાઈ બેલીમ સહિત જોડાયા હતાં.
















