ભાવનગર મહાપાલિકાના સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગમાં ફરજ બજાવતા અને હોર્ડીગ્સના બીલ પાસ કરવા માટે રૂા. ૧૦ હજારની વચેટીયા મારફત લાંચ લેતા એસીબીના છટકામાં ઝડપાયેલા આર.જી. શુકલને આખરે આજે મોડી સાંજે કમિશ્નર ગાંધીએ સસ્પેનડ કર્યા હતા અને ઓર્ડર કર્યો હતો.
શહેરમાંલગાવાયેલા હોર્ડીગ્સના બીલો મંજુર કરવા માટે આર.જે.શુકલાએ રૂા. ૧૦ હજારની માંગણી પ્રદીપ શુકલ પાસે કરેલી અને તેની જાણ એસીબીને કરાતા લાંચનું છટકુ ગોઠવાયેલ જેમાં શુકલા વતી વચેટીયા તરીકે મુકેશ સીંધી નામનો ઈસમ નાણા લેવા જતા એસીબીના છટકામાં રંગે હાથ ઝડપાઈ ગયેલ. બાદમાં એસીબી ટીમે શુકલાની પણ ધરપકડ કરી બન્નેને કોર્ટમાં રજુ કરતા કોર્ટે જેલ હવાલે કર્યા હતાં. બાદમાં આજે મહાપાલિકાના કમિશ્નર ગાંધી દ્વારા લાંચ કેસમાં ઝડપાઈ અને જેલ હવાલે થયેલ ઈજનેર આર.જે.શુકલને સસ્પેન્ડ કરવાનો મોડી સાંજે ઓર્ડર કર્યો હતો. આ બનાવથી મહાપાલિકાના અધિકારીઓ અને કર્મચારીઓમાં ખળભળાટ મચી જવા પામેલ છે.
















