વિરાટે આક્રમકતા ઓછી કરવાની કોઈ જરૂર નથીઃ ઝહીર

812

વિરાટ કોહલીના ભૂતપૂર્વ સાથી-ખેલાડીઓ ઝહીર ખાન અને પ્રવીણકુમારે  વિરાટ કોહલીના હરીફ સુકાની ટિમ પેઇન સાથેના પર્થના મેદાન પરના ઘર્ષણ વિશે એકસૂરમાં વિરાટના અભિગમની તરફેણ કરી હતી.

ઍલન બોર્ડર, માઇક હસી, મિચલ જૉન્સન તેમ જ ભારતના સંજય માંજરેકરે ટિમ પેઇન સાથેની ટક્કરના તેના ‘ચેનચાળા’ વિશે નારાજગી બતાવીને તેને (વિરાટને) વખોડ્યો છે. જોકે, ઝહીરે કહ્યું છે ‘હું તો માનું છું કે વિરાટે પોતાને શ્રેષ્ઠ લાગે એ જ કરવું જોઈએ. જે અભિગમે પોતાને સફળતા સુધી પહોંચાડ્યો હોય એને વળગી રહેવું જોઈએ. સફળતાની ફૉર્મ્યુલાથી દૂર જવાની શું જરૂર છે? બીજાઓ શું કહે છે એ બાબત અસ્થાને છે. તેમની વાતો પર લક્ષ આપવાની કોઈ જરૂર નથી. ઑસ્ટ્રેલિયામાં સિરીઝ હંમેશાં ઉગ્રતાભરી અને રસાકસીપૂર્ણ જ થતી હોય છે. વિરાટે આક્રમકતા ઘટાડવાની કોઈ જરૂર નથી.’

પ્રવીણકુમારે જણાવ્યું હતું કે ‘કોહલી અન્ડર-૧૬, અન્ડર-૧૯ અને રણજી ટ્રોફીના સ્તરે પણ આક્રમક મિજાજ સાથે રમ્યો હતો. એ જ આક્રમકતા તે હવે ભારત વતી રમતી વેળા બતાવે તો એમાં ખોટું શું છે? હું તેની સાથે ઘણું રમ્યો છું અને છાતી ઠોકીને કહું છું કે કોહલી આક્રમકતા વગર પોતાની પૂરી શ્રેષ્ઠતા બતાવી જ ન શકે.’

આઈ. પી. એલ. (ઈન્ડિયન પ્રીમિયર લીગ)ની ટી-૨૦ સ્પર્ધાનો ત્રણ વાર તાજ જીતી ચૂકેલ મુંબઈ ઈન્ડિયન્સ (એમ. આઈ.)એ ભારતના ભૂતપૂર્વ ફાસ્ટ બૉલર ઝહીર ખાનની ડિરેક્ટર (ક્રિકેટ ઓપરેશન્સ) તરીકે નિમણૂક કરી હતી, એવી જાહેરાત ટીમની વેબસાઈટ પર કરવામાં આવી હતી.

ભૂતપૂર્વ ડાબોડી ઝડપી ગોલંદાજ ઝહીર ૨૦૦૯, ૨૦૧૦ અને ૨૦૧૪ની મોસમમાં પણ આઈ. પી. એલ. ટીમનો હિસ્સો હતો. તેણે મુંબઈ ઈન્ડિયન્સની ટીમ વતી ૩૦ મેચમાં રમી કુલ ૨૯ વિકેટ ઝડપી હતી.

Previous articleબોલિવૂડ ડેલિગેશનની મોદી સાથેની મિટિંગમાં કેમ કોઈ મહિલા નહિ..?! : દિયા
Next articleગંભીરને ઝટકો, રિયલ એસ્ટેટ પ્રોજેક્ટમાં છેતરપિંડી મામલે કોર્ટે રજૂ કર્યું વોરંટ