ભારતના ફૂટબોલ કેપ્ટન સુનીલ છેત્રીએ ઈગોર સ્ટાઈમૅકની મુખ્ય કોચના હોદ્દે થયેલી નિમણૂકને આવકારતા કહ્યું હતું કે ક્રોએશિયાના તે વર્લ્ડ કપના ખેલાડીના અનુભવમાંથી રાષ્ટ્રની ટીમને લાભ થશે.
૫૧ વર્ષના સ્ટાઈમેકની ભારતીય ટીમના કોચ તરીકે સત્તાવારપણે જાહેરાત કરવામાં આવી હતી અને તેઓ ૧૮ વર્ષનો રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ ફૂટબોલની તાલીમનો અનુભવ ધરાવે છે.સ્ટાઈમેક ૧૯૯૮માં ફ્રાન્સમાં યોજાયેલ વર્લ્ડ કપની ટીમના સભ્ય હતા જ્યારે ક્રોએશિયા ત્રીજા સ્થાને રહ્યું હતું. કોચ તરીકે સ્ટાઈમેકના માર્ગદર્શન હેઠળ ક્રોએશિયાની ટીમ ૨૦૧૪માં બ્રાઝિલમાં ફિફા વર્લ્ડ કપમાં ફાઈનલ સુધી પહોંચી હતી. “હું રાષ્ટ્રીય ટીમના નવા કોચની નિમણૂકને આવકારું છું અને તેમની પાસે કોચિંગનો ઘણો અનુભવ છે જેમાંથી ભારતને લાભ થશે તથા ભારતીય ખેલાડીઓ તેમને પૂરો સહકાર આપશે, એમ છેત્રીએ ટિ્વટર પર કહ્યું હતું. ૩૪ વર્ષનો છેત્રી ભારત વતી ૧૦૦થી વધુ મેચમાં રમી ચૂક્યો છે અને હાલમાં તે આંતરરાષ્ટ્રીય ગોલકર્તાઓની યાદીમાં બીજું સ્થાન ધરાવે છે.

















