રમતમાંથી બાકાત રહેવાના સમયમાં તે રન અને સફળતા માટે વધુ ભૂખ્યો બન્યો છે, એમ આગામી પોતાના ત્રીજા વર્લ્ડ કપમાં રમનાર દક્ષિણ આફ્રિકાના બેટ્સમેન હાશિમ અમલાએ કહ્યું હતું. કુલ ૧૮,૦૦૦થી વધુ આંતરરાષ્ટ્રીય રન કરેલ અમલા એક વેળા દક્ષિણ આફ્રિકાની ટીમનો મુખ્ય બેટધર હતો, પણ પોતાનું ફોર્મ ગુમાવી દેતા તે ટીમમાંથી સ્થાન ગુમાવી બેઠો હતો.તે આ વર્ષે શ્રીલંકા સામે વન-ડે શ્રેણીમાં રમ્યો ન હતો અને ઓપનિંગ બેટ્સમેન તરીકે ટીમમાં તેનું સ્થાન એઈડન માર્કરેમ અને વાઈસ-કેપ્ટન ક્યુન્ટન ડી કોકે લીધું હતું. અમલા આઈ. પી. એલ. (ઈન્ડિયન પ્રીમિયર લીગ)માં પણ ગેરહાજર હતો અને તેનું કહેવું હતું કે લાંબી બાકાતીએ તેની રમતમાં સુધારો કર્યો છે.
હું હવે પહેલા કરતાં વધુ રન અને સફળતા માટે ભૂખ્યો બન્યો છું, એમ તેણે કહ્યું હતું. અમલાનો આ ત્રીજો વર્લ્ડ કપ હશે અને ઈંગ્લેન્ડમાં તેનો દેખાવ હંમેશાં સારો રહ્યો છે. ૩૬ વર્ષનો અમલા બે વર્લ્ડ કપમાં રમી ચૂક્યો છે, પણ બંને વેળા દક્ષિણ આફ્રિકાની ટીમનો ન્યૂ ઝીલેન્ડ સામે પરાજય થયો હતો. દક્ષિણ આફ્રિકા ૨૦૧૧માં ક્વાર્ટર-ફાઈનલ તબક્કામાં અને ચાર વર્ષ પૂર્વે સેમી-ફાઈનલ રાઉન્ડમાં હારી ગયું હતું.

















