શહેરના તરસમીયા રોડ, ખારસી વિસ્તારમાં એક વર્ષ પુર્વે પરણિતાને જીવતી સળગાવી હત્યા કરવાના ગુનામાં પતિ અને પ્રેમિકાને ભાવનગર ડીસ્ટ્રીકટ કોર્ટે આજીવન સજા ફટકારી હતી.
બનાવ અંગે પ્રાપ્ત વિગતો મુજબ ખેડુતવાસ ખાતે રહેતા લક્ષમણભાઈ કમાભાઈ ડાભી નામનો વ્યક્તિ ભાવુબેન શાંતિભાઈ ચૌહાણ નામની મહિલાને લઈને નાસી ગયો હોય લક્ષમણભાઈ ડાભીની પત્નિ જયોતિબેન તેના સસરાના ઘરે પાળીયાદ જતા રહેલ બાદમાં લક્ષમણભાઈ તેની પત્નિને અલગ ભાડે મકાન રાખીને રહેવાનું સમજાવી ભાવનગર લઈ આવેલ અને તરસમીયા રોડ પર હીમાલય ટેનામેન્ટમાં ભાડે મકાન રાખીને લાવેલ અને તેની પ્રેમિકા ભાવુબેનને પણ સાથે રાખેલ.
દરમ્યાન ગત તા. ૧પ એપ્રિલ ર૦૧૮ના રોજ રાત્રીના સાડા નવેક વાગ્યાના સુમારે પતિ-પત્નિ તથા પ્રેમિકા ઘરે હાજર હતાં. ત્યારે જયોતિબેને તેના પતિ લક્ષમણભાઈ ડાબીને કહેલ કે તમે ભાવુબેન સાથે શુકામ સંબંધ રાખો છો ? આથી લક્ષમણભાઈએ ઉશ્કેરાઈ જઈને તેની પત્નિ જયોતિબેનના હાથ પાછળથી પકડી લીધા અને પ્રેમિકા ભાવુબેનને સળગાવી દેવાનું કહેતા પ્રેમિકા ભાવુબેને ઘરમાં રહેલ વાર વાળા પ્રાયમસનું ઢાંકણું ખોલીને તેમા રહેલ કેરોસીન લક્ષ્મણભાઈના પત્નિ જયોતિબેન ઉપર છાંટી દીધેલ અને દિવાસળી ચાંપી સળગાવી દીધેલ જેમાં જયોતિબેનના બન્ને હાથ તથા છાતી અને પીઠના ભાગે દાઝી ગયેલ બાદ લક્ષમણભાઈ તેની પ્રેમિકા ભાવુબેનને સાથે લઈ પત્નિ જયોતિબેનને પોતાની રીક્ષામાં બેસાડી દવાખાને લઈ જવાના બદલે ખેડુતવાસમાં લઈ જઈને જયોતિબેનના સાસુના ઘર સામે ફેંકી દઈ નાસી ગયેલ.
બાદમાં જયોતિબેનને તેના સાસુ અને નણંદ સર.ટી.માં સારવાર માટે દાખલ કરેલ જયાં તા. ર૯-પ-ર૦૧૮ના રોજ જયોતિબેનનું સારવાર દરમ્યાન મૃત્યું થયેલ આથી પોલીસે લક્ષમણ ડાભી અને ભાવુબેન સામે હત્યાનો ગુનો નોંધી બન્નેની ધરપકડ કરેલ. આ અંગેનો કેસ આજરોજ ભાવનગર ડિસ્ટ્રીકટ એન્ડ સેશન્સ જજ શુભદ્રાબેન બક્ષીની અદાલતમાં ચાલી જતા અદાલતે સરકારી વકિલ વિપુલભાઈ દેવમુરારીની દલીલો, આધાર, પુરાવા, સાક્ષીને ધ્યાને લઈ ગુનો સાબીત માની બન્નેને આજીવન કેદની સજા અને રૂા. પ હજારનો દંડ ફટકાર્યો હતો.










![BVN2]](https://www.loksansar.in/wp-content/uploads/2019/05/BVN2-3.jpg)





