ભારત વિરુદ્ધ શ્રેણી પહેલાં શ્રીલંકાને ઝટકો, કુશલ પરેરા ખભાના ઈજાને કારણે થયો બહાર

294

(જી.એન.એસ)કોલંબો,તા.૧૬
પૂર્વ કેપ્ટન અને શ્રીલંકાનો મુખ્ય બેટસમેન કુશલ પરેરા ઈજાને કારણે ભારત વિરુદ્ધ ૧૮ જૂલાઈથી શરૂ થઈ રહેલી શ્રેણીમાં રમશે નહીં. પરેરા ઈંગ્લેન્ડ પ્રવાસે જનારી શ્રીલંકા ટીમનો કેપ્ટન હતો પરંતુ ખેલાડીઓ અને બોર્ડ વચ્ચે કરાર વિવાદને કારણે દાસુન શનાકાને કેપ્ટન બનાવવામાં આવ્યો છે. કુલ પરેરાને ખભામાં ઈજા પહોંચી છે. જો કે ટીમે તેની ઈજા વિશે વિસ્તારપૂર્વક જણાવ્યું નથી. તેને હજુ સુધી સત્તાવાર રીતે બહાર કરવામાં આવ્યો નથી પરંતુ ટીમના ડોક્ટરે કહ્યું, કુશલને છ સપ્તાહ સુધી બહાર રહેવું પડશે. કુશલની કેપ્ટનીમાં શ્રીલંકાએ બાંગ્લાદેશ અને ઈંગ્લેન્ડ સામે શ્રેણી ગુમાવવી પડી હતી. ઈંગ્લેન્ડમાં તો શ્રીલંકા વન-ડે અને ટી-૨૦ શ્રેણીનો એક મેચ પણ જીતી શક્યું નહોતું. આ પહેલાં દાસુન શનાકાએ ૨૦૧૯માં પાકિસ્તાન વિરુદ્ધ ત્રણ મેચની ટી-૨૦ શ્રેણીમાં કેપ્ટનશીપ કરી હતી જેમાં તેની ટીમે ક્લિન સ્વિપ કર્યું હતું. શનાકાએ શ્રીલંકા તરફથી અત્યાર સુધી ૬ ટેસ્ટ, ૨૮ વન-ડે અને ૪૩ ટી-૨૦ મેચ રમ્યા છે. આ ઓલરાઉન્ડરે ટેસ્ટમાં ૧૪૦, વન-ડેમાં ૬૧૧ અને ટી-૨૦માં ૫૪૩ રન બનાવ્યા છે તો ત્રણેય ફોર્મેટમાં તેના નામે ૩૪ વિકેટ નોંધાયેલી છે. શ્રીલંકા પ્રવાસે ગયેલી ભારતીય ટીમની કમાન શિખર ધવનને સોંપવામાં આવી છે.
વિરાટ કોહલી, રોહિત શર્મા જેવા દિગ્ગજ ખેલાડીઓ અત્યારે ઈંગ્લેન્ડમાં છે જ્યાં ઓગસ્ટથી તેમણે પાંચ મેચની ટેસ્ટ શ્રેણી રમવાની છે. શિખર ધવનની આગેવાનીવાળી ભારતીય ટીમના કોચ રાહુલ દ્રવિડ છે તો ભુવનેશ્વર કુમારને વાઈસ કેપ્ટનની જવાબદારી સોંપવામાં આવી છે.

Previous articleભારતીય ટીમ પાસે ૧૪ વર્ષ બાદ ઈંગ્લેન્ડની ધરતી પર ટેસ્ટ સિરીઝ જીતવાની તક
Next articleઆરોન ફિંચે ટી૨૦માં સૌથી વધુ રનનો કોહલીનો રેકોર્ડ પોતાને નામે કર્યો