રિબિન કાપવાના શોખીન નેતાએ ઉદઘાટન કર્યાના ૧ કલાક બાદ બાલોદ્યાન ૧પ દિવસ માટે બંધ !

1153

ગાંધીનગરમાં સેકટર – ર૮ ના બગીચાનુ લોકાર્પણ રીબીન કાપવાના શોખ ધરાવતા નેતાઓએ કરી તો નાખ્યુ પરંતુ બાળકો માટે વેકેશનમાં તેનો ઉપયોગ થશે કે કેમ ? કારણ કે ઉદઘાટનના એક કલાક બાદ જ બાલોદ્યાનને ૧પ દિવસ માટે બંધ કરી દેવાયો છે.અત્રે ઉલ્લેખનીય છે કે મેયર, ડે. મેયરની ટર્મ પુરી થતી હોવાથી ઉતાવળે રીબીન તો કાપી નાખી, પરંતુ પબ્લિકને તો બંધ દરવાજા જ મળ્યા.

સેક્ટર ૨૦ના નવીનીકરણ કરાયેલા રંગમંચના લોકાર્પણની સાથે સેક્ટર ૨૮ના બાલોદ્યાનનો ચોક્કસ ભાગ ખુલ્લો મુકવાની મહાપાલિકા દ્વારા સત્તાવાર જાહેરાત કરવામાં આવ્યા બાદ શુક્રવારે સાંજે રંગમંચનું લોકાર્પણ કરાયા પછી બાલોદ્યાનને ખુલ્લો મુકવા માટે પણ રિબિન કાપવામાં આવી હતી. પરંતુ ગણતરીના સમયમાં જ કામ અધુરુ હોવાનું કહીને અધિકારીઓ દ્વારા બાલોદ્યાનને ફરી પખવાડિયા માટે બંધ કરી દેવાયો હતો. જાણે ઘડીઓ ગણતા પદ્દાધિકારીઓ મેયર પ્રવિણભાઇ પટેલ, ડેપ્યુટી મેયર દેવેન્દ્રસિંહ ચાવડા અને સ્થાયી સમિતિના ચેરમેન મનુભાઇ પટેલને ખુશ રાખવા અથવા તેમના નામની તક્તિ ચોંટાડવા માટે જ આ કાર્યક્રમનું આયોજન કરાયુ હોય તેવો તાલ સર્જાયો હતો.

મહાપાલિકે પાટનગર યોજના વિભાગે બાલોદ્યાન સોંપી દીધા પછી અહીં ૧૨ કરોડના ખર્ચની નવીનીકરણની યોજના અંતર્ગત કામગીરી હાથ ધરાઇ છે અહીં ગ્રામ હાટ અને એમ્યુઝમેન્ટ પાર્ક તથા એમ્ફી થિયેટર જેવા આકર્ષણ ઉમેરવામાં આવ્યા છે. બેબી ટ્રેન અને બોટિંગ ક્ષતિ રહીત કરવા માટે પણ લાખ્ખોનો ખર્ચ કરવામાં આવ્યો છે. નવેસરથી લેન્ડ સ્કેપિંગ સહિતની કામગીરી કરાઇ છે. છેલ્લા ૨ મહિનાથી તેના માટે બાલોદ્યાનને બંધ કરવામાં આવ્યો છે.

ત્રણ દિવસ પહેલા જાહેરાત કરાઇ હતી કે બાલોદ્યાનનો કેટલોક ભાગ દિવાળી વેકેશનને લઇને ખુલ્લો મુકાશે. તે પ્રમાણે રિબિન પણ કાપવામાં આવ્યા પછી લોકોનો ધસારો થશે તો અધૂરા રહેલા કામો પર માઠી અસર આવશે તેમ જણાવીને બાલોદ્યાનને ફરીથી બંધ કરી દેવાયો હતો.

કોર્પોરેશનના સત્તાધીશો દ્વારા સત્તામાંથી જતાં-જતાં ખુલ્લો મુકાયેલો સેક્ટર-૨૮ બાલોદ્યાન એક કલાકમાં જ ફરી બંધ કરી દેવાયો હતો.

Previous articleચેસ અને કરાટે ટુર્નામેન્ટમાં સ્મિત ઠક્કર વિજેતા : સમાજનું ગૌરવ
Next articleરેશમા પટેલની નીતિન પટેલ સાથે મહત્વપૂર્ણ મિટીંગ થઈ