રેશમા પટેલની નીતિન પટેલ સાથે મહત્વપૂર્ણ મિટીંગ થઈ

1386

પાટીદારોને ન્યાય અપાવવા માટે ભાજપની મહિલા અગ્રણી અને પાસની પૂર્વ નેતા રેશમા પટેલે પાટીદાર શહીદોના પરિજનોને નોકરી સહિતના લાભ અપાવવા રણશિંગુ ફૂંકયું છે ત્યારે પોતાની વાત પર અસરકારકતા સાતે અમલવારી કરાવવા રેશમા પટેલે આજે રાજયના નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ સાથે મુલાકાત કરી હતી અને તેમને વિગતવાર પોતાની રજૂઆત કરી હતી. રેશમા પટેલ તરફથી પાટીદાર અનામત આંદોલન દરમ્યાન શહીદ થયેલા પાટીદાર યુવકોના પરિવારજનોમાંથી પાત્રતા ધરાવનારને નોકરી સહિતના લાભો આપવાની પોતાની માંગણીનો નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સમક્ષ પુનરોચ્ચાર કરવામાં આવ્યો હતો. રેશમા પટેલે એ મુદ્દે પણ નાયબ મુખ્યમંત્રીનું ધ્યાન દોર્યું હતું કે, તેમના ભાજપમાં જોડાયાને એક વર્ષ ઉપરાંતનો સમય થયો હોવાછતાં હજુ સુધી તેમની પાટીદાર સમાજની આ માંગણીઓનો અમલ કરાયો નથી, જે દુઃખદ બાબત કહી શકાય.

નાયબ મુખ્યપ્રધાન સાથે મુલાકાત બાદ રેશમા પટેલે નિવેદન આપ્યુ હતુ કે, તેમણે નાયબ મુખ્યમંત્રી સમક્ષ વિગતવાર ઉપરોકત મુદ્દે રજૂઆત કરી દીધી છે અને તેમની હૈયાધારણ પરથી લાગે છે કે, રાજય સરકાર આ મુદ્દે સંવેદનશીલ છે. મૃતકોના વારસદારોને નોકરી આપવાની દિશામાં પ્રયત્નશીલ છે. રેશમા પટેલે એમ પણ ઉમેર્યું કે, મૃતક પાટીદાર યુવાનોના પરિવારજનમાંથી કોઇને અર્ધ સરકારી, સહકારી સંસ્થાઓમાં નોકરી આપવામાં આવે તેવી પણ તેમણે માંગ સરકારના ધ્યાન પર મૂકી છે. એટલું જ નહી, આ સમગ્ર મામલે શકય એટલો ઝડપથી નિર્ણય લેવામાં આવે તેવો પણ તેમણે નાયબ મુખ્યમંત્રીને અનુરોધ કર્યો હતો. રેશમા પટેલે સ્પષ્ટ કર્યું કે, પાટીદાર નેતા અલ્પેશ કથિરીયાની જેલમુક્તિ માટે પણ પ્રયાસો ચાલુ છે. મારા માટે પહેલા સમાજ અને પછી પક્ષ છે. રેશમા પટેલના પાટીદાર સમાજ પરત્વે બદલાયેલા અચાનક આ પ્રકારના વલણને લઇ પાટીદાર સમાજમાં ખાસ તો પાસના વર્તુળમાં ભારે આશ્ચર્યની લાગણી જોવા મળી રહી છે.

Previous articleરિબિન કાપવાના શોખીન નેતાએ ઉદઘાટન કર્યાના ૧ કલાક બાદ બાલોદ્યાન ૧પ દિવસ માટે બંધ !
Next articleદિવાળીના પર્વની શરૂઆત સાથે સ્કુલોમાં વેકેશન શરૂ