પ્રભારી સચિવ સ્વરૂપ પી.ના અધ્યક્ષસ્થાને જિલ્લાના મુખ્ય અધિકારીઓની સમીક્ષા બેઠક યોજાઇ

823

શિક્ષણ, વીજળી, મનરેગા, પંચાયત,મહેસૂલ વિભાગની કામગીરીની સમીક્ષા કરતાં પ્રભારી સચિવ
ભાવનગર જિલ્લાના પ્રભારી સચિવ સ્વરૂપ પી.ના અધ્યક્ષસ્થાને કલેકટર કચેરીના આયોજન ખંડ ખાતે જિલ્લાના મુખ્ય અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજાઇ હતી. પ્રભારી સચિવે શિક્ષણ, વીજળી, મનરેગા, પંચાયત,મહેસૂલ વિભાગની કામગીરીની સર્વગ્રાહી સમીક્ષા હાથ ધરી હતી. પ્રભારી સચિવએ જણાવ્યું કે, પોતાની પાસે ઉપલબ્ધ સાધનોનો સમયસર અને મહત્તમ ઉપયોગ થાય તે ખૂબ જ જરૂરી છે. જો તેમ થાય તો જ લોકોને સમયસર અને જરૂરિયાત મૂજબ સેવાઓ પૂરી પાડી શકાશે.પ્રભારી સચિવે જિલ્લામાં આગ અકસ્માતના સમયે સર્જાતી કપરી સ્થિતિને નિવારી શકાય તે માટે હોસ્પિટલના સ્ટાફને પણ ફાયરની તાલીમ આપી જ્યાં ઓક્સીજનના બેડ છે ત્યાં રાઉન્ધ ધ ક્લોક એક વ્યક્તિની નોડલ તરીકે નિમણૂંક કરવાં સૂચન કર્યું હતું. તેમણે કહ્યું કે, થોડા વર્ષોથી વરસાદની પેટર્ન બદલાઇ છે ત્યારે જિલ્લાના ખેડૂતો તે પેટર્નને અનુસરી કૃષિ કરે તે માટેનું જરૂરી માર્ગદર્શન ગ્રામીણ સ્તર સુધી પહોંચે તે જરૂરી છે.પ્રભારી સચિવે પાણી- ગટર, વીજળી, આવાસ યોજનાઓ સહિતની સ્થિતિ જાણી તે અંગેની ઉપયોગી માર્ગદર્શન ઉપસ્થિત અધિકારીઓને આપ્યું હતું.કલેક્ટર યોગેશ નીરગુડેએ આગામી ત્રણ મહિના દરમિયાન જિલ્લા કક્ષાએ હાથ ધરવામાં આવનાર વિવિધ કામગીરી અને તેના નિર્ધારિત લક્ષ્યાંકોને સિદ્ધ કરવા માટેની કાર્યવાહી ની વિશદ ચર્ચા કરી હતી. કલેકટરે જિલ્લાના હાઈવે, જિલ્લામાં ૧૦૦% રસીકરણ, મનરેગા દ્વારા હાથ ધરવામાં આવેલાં કાર્યો સરકારી જમીનની માગણી પૂરી કરવી, સમાજ સુરક્ષાના લાભાર્થીઓ માટે ઝુંબેશ, જિલ્લામાં સૌર ઊર્જાનું ઉત્પાદન વધારવું, સોલાર રૂફ ટોપ યોજનાનો વધુ લાભ લોકો લે તે માટેનું આયોજન, ઓર્ગેનિક ફાર્મિંગ, સફાઈ અને ઘન કચરાના નિકાલ વગેરે મુદ્દાઓની ધ્યાન રાખીને જિલ્લાના અધિકારીઓ તેને સિદ્ધ કરવા માટે કાર્ય કરે તે માટે અનુરોધ કર્યો હતો.આ બેઠકમાં ભાવનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર એમ.એ. ગાંધી, જિલ્લા વિકાસ અધિકારી ડો. પ્રશાંત જીલોવા, નગરપાલિકા નિયામક અજય દહિયા, પ્રાંત અધિકારી પુષ્પલત્તા, જયંત માનકલે, અધિક નિવાસી કલેકટર બી.જે. પટેલ, જિલ્લાના પ્રાંત અધિકારીઓ, મામલતદારો, તાલુકા વિકાસ અધિકારીઓ અને જિલ્લાના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

Previous articleમંત્રી દેવાભાઈની જનઆર્શીવાદ યાત્રાનું ભુતેશ્વર ગામેથી પ્રસ્થાન
Next articleગંગુબાઈ છ જાન્યુઆરી ૨૦૨૨ના રોજ રિલીઝ થશે