વન્યપ્રાણી સપ્તાહની ઉજવણી અંતર્ગત વેળાવદર રાષ્ટ્રીય ઉદ્યાન ખાતે કાર્યક્રમ યોજાયો

128

દર વર્ષે તા.૨ થી તા.૮ ઓક્ટોબર દરમ્યાન સમગ્ર દેશમાં વન્યજીવ સપ્તાહની ઉજવણી વન્યજીવ સંરક્ષણ અંગે લોકજાગૃતિ કેળવવાનાં હેતુએ થતી હોય છે. જે અનુસંધાને મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટીનાં મરીન સાયન્સ ભવન અને કાળીયાર રાષ્ટ્રીય ઉદ્યાન વનવિભાગ ગુજરાતરાજ્ય દ્વારા તા.૦૨-૧૦-૨૦૨૧નાં રોજ બપોરે ૩ઃ૩૦ થી ૫ઃ૩૦ દરમ્યાન રાષ્ટ્રીય કક્ષાનો વેબીનાર યોજાયો હતો. જેમાં આઠ રાજ્યોનાં કુલ ૨૦૦ જેટલા વ્યક્તિઓ જોડાયાં હતા. ભાવનગર યુનિવર્સિટીનાં કુલપતિ ડો.મહિપતસિંહ ચાવડા અને જુનાગઢ વન્યપ્રાણી વર્તુળનાં મુખ્ય વનસંરક્ષકશ્રી ડી.ટી.વસાવડાનાં માર્ગદર્શનથી મરીન સાયન્સ ભવનનાં અધ્યક્ષ ડો.ઇન્દ્રગઢવી અને કાળીયાર રાષ્ટ્રીય ઉદ્યાનનાં મદદનીશ વનસંરક્ષકશ્રી એમ.એચ.ત્રિવેદી દ્વારા સમગ્ર કાર્યક્રમનું સંકલન-સંચાલન કરવામાં આવ્યું હતું. વેબિનારનાં મુખ્યવક્તાઓ તરીકે ગુજરાત રાજ્યનાં વન્યજીવ ક્રાઈમ વિભાગનાં વનસંરક્ષક વી.જે.રાણા દ્વારા વન્યજીવ પ્રત્યેનાં ગુનાઓ ઘટાડવા માટે વિદ્યાર્થીઓ કે સામાન્ય નાગરિકો શું ભાગ ભજવી શકે?, કેવા પ્રકારનાં ગુનાઓ બનતા હોય છે, વન્યજીવોનાં અંગ-ઉપાંગોનાં ગેરકાયદે વેપાર વિશે ખુબ જ માહિતી સભર પ્રવચન આપ્યું હતું.
ગુજરાત રાજ્યનાં વન અને પર્યાવરણ મંત્રાલયનાં અધિક સચિવશ્રી એસ.જે.પંડિત દ્વારા ગુજરાત સરકારનાં વન વિભાગ દ્વારા વન્યજીવ પ્રત્યેનાં ગુનાઓ ઘટાડવા માટે કેવા પગલાઓ લેવામાં આવે છે અને સરકારની સજ્જતા વિશે પ્રવચન આપ્યું હતું. તેમણે ખડમોર, ઓટર(જળબિલાડી), વરુ, ગીધ વગેરે પ્રાણીઓનાં સવર્ધન અને રક્ષણ માટે સરકારની સજ્જતા વિશે ખુબ રસપ્રદ માહિતી આપી હતી. આ બંને અધિકારીઓનાં પ્રવચન બાદ શ્રોતાઓ દ્વારા અનેક બાબતો વિશે રસપ્રદ પ્રશ્નોતરી પણ કરવામાં આવી. જેનો બંન્ને વક્તાઓ દ્વારા સંતોષકારક જવાબો આપવામાં આવ્યાં હતાં. મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટીનાં સર પી.પી.ઇન્સ્ટીટ્યુટનાં પ્રાણીશાસ્ત્ર વિભાગનાં પ્રાધ્યાપક ડો.પી.પી.ડોડીયાએ ભાવનગરમાં રાષ્ટ્રીય પક્ષી મોરની પરિસ્થિતિ અને સંરક્ષણની જરૂરિયાત વિશે માહિતીસભર વક્તવ્ય પ્રેઝન્ટેશન સાથે રજુ કર્યું હતું. અંતમાં મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટીના કુલપતિ ડો.મહિપતસિંહ ચાવડા અને જુનાગઢ વન્યપ્રાણી વર્તુળના મુખ્ય વનસંરક્ષકશ્રી ડી.ટી.વસાવડા દ્વારા વક્તાઓને અને આયોજકોને અભિનંદન આપવામાં આવ્યા હતા. સમારંભને અંતે કાળીયાર રાષ્ટ્રીય ઉદ્યાનના રેન્જ ફોરેસ્ટ ઓફિસરશ્રી ડી.જી.ગઢવીએ સૌ માનનીય વક્તાઓ અને વેબિનારમાં જોડાયેલ તમામ વિદ્યાર્થીઓ, અધ્યાપકો, વનકર્મીઓ, સ્વયંસેવી સંસ્થાઓના સભ્યો અને સહાયભૂત થયેલ તમામનો આયોજક સંસ્થાઓ વતી અભાર વ્યક્ત કર્યો હતો. વહેલી સવારે કાળીયાર રાષ્ટ્રીય ઉદ્યાનમાં કોલેજ ઓફ અગ્રીકલ્ચર, એગ્રીકલ્ચર યુનિવર્સિટિ- મોટાભંડારીયા, જિ.અમરેલીના ૪ર વિદ્યાર્થીઓએ મૂલાકાત લઈ અને વન્યજીવ સૃષ્ટિ વિશે માહિતી મેળવી હતી. તેમના અભ્યાસમાં પણ આ માહિતી મદદરૂપ થઈ શકે એમ હોય, ખૂબ રસપૂર્વક આ કાર્યક્રમને માણ્યો હતો. વેળાવદર, કાળીયાર રાષ્ટ્રીય ઉદ્યાનના મદદનીશ વનસંરક્ષકશ્રી એમ.એચ.ત્રિવેદી દ્વારા વિગતે વન્યજીવો વિશે માહિતી આપવામાં આવેલ હતી અને ખાસ કરીને ખેતીમાં મદદરૂપ વન્યજીવો અને તેના સંરક્ષણ બાબતે માહિતી આપી હતી. માનવ જીવનના અસ્તિત્વ માટે વન્યપ્રાણી સંરક્ષણ જરૂરી છે તે બાબતે વિગતે સમજ આપી હતી. પરિક્ષેત્ર વન અધિકારીશ્રી ડી.જી.ગઢવી દ્વારા વિદ્યાર્થીઓને યોગદાન આપવા બાબતે ચર્ચા કરી હતી.
વનપાલશ્રી એચ.પી.ચુડાસમા, વનરક્ષકશ્રી ઝાલાભાઈ તથા ગાઈડ મિત્રોશ્રી પ્રવિણભાઈ, વિશાલભાઈ સમગ્ર ટીમ સાથે પાર્કમાં વિવિધ સ્થળોએ માહિતી આપેલ હતી. આજના વિદ્યાર્થીઓએ ભવિષ્યના ઉત્તમ નાગરિક બને અને વન સંરક્ષણમાં પોતાનું યોગદાન આપે તે માટે યોજાયેલ કાર્યક્રમ ખૂબસફળ રહેલ હતો અને કોલેજના પ્રોફેસર તેજલબેન શાહ દ્વારા આભાર વ્યકત કરવામાં આવેલ હતો.