દુબઈના બિઝનેસમેન સાથે મૌની રોય સાત ફેરા લેશે

170

મુંબઈ,તા.૩
ટીવી અને ફિલ્મ એક્ટ્રેસ મૌની રોય સાત ફેરા ફરવા માટે તૈયાર છે. મૌની રોય દુબઈના બિઝનેસમેન સૂરજ નામ્બિયાર સાથે જાન્યુઆરી ૨૦૨૨માં લગ્ન કરશે તેવી ચર્ચા ચાલી રહી છે. આ વર્ષની શરૂઆતમાં મૌની રોયની મમ્મીએ સૂરજના માતાપિતા સાથે લગ્નની ચર્ચા કરી હતી. આ મુલાકાત મૌનીની ખાસ ફ્રેન્ડ અને એક્ટ્રેસ મંદિરા બેદીના ઘરે ગોઠવાઈ હતી. આ મુલાકાતના મહિનાઓ બાદ મૌનીના લગ્ન અંગેની અપડેટ આવી છે. ગોસિપની ગલીઓમાં ચર્ચા છે કે મૌની રોય ૨૦૨૨માં પરણી જવાની છે. મૌની રોય મૂળ બેંગાલુરુના અને દુબઈમાં રહેતા બિઝનેસમેન સૂરજના ગળાડૂબ પ્રેમમાં છે. મીડિયા રિપોર્ટનું માનીએ તો, મૌની અને સૂરજે લોકડાઉન દરમિયાન જ પોતાના સંબંધને આગળ વધારવાનો નિર્ણય કરી લીધો હતો. જોકે, મૌની હજી પણ મગનું નામ મરી પાડવા તૈયાર નથી. મૌનીના કઝિન ભાઈ વિદ્યુત રોયસરકારે સ્થાનિક મીડિયાને આપેલા ઈન્ટરવ્યૂમાં ખુલાસો કર્યો છે કે, સૂરજ જાન્યુઆરી ૨૦૨૨માં લગ્ન કરવાનો છે. તેમના લગ્ન દુબઈ અથવા ઈટાલીમાં યોજાશે. વિદ્યુતના દાવા પ્રમાણે, મૌની અને સૂરજ માત્ર અંગત સ્વજનોની હાજરીમાં લગ્ન કરશે. બાદમાં ભારત આવીને તેઓ સંબંધીઓ માટે ખાસ ફંક્શનનું આયોજન કરશે. ઉલ્લેખનીય છે કે, સૂરજ અને મૌની ખાસ્સા સમયથી રિલેશનશીપમાં છે પરંતુ હજી સુધી તેમણે સંબંધ ઓફિશિયલ નથી કર્યો. લોકડાઉન દરમિયાન મૌની ખાસ્સા મહિનાઓ દુબઈમાં રોકાઈ હતી. જણાવી દઈએ કે, થોડા દિવસ પહેલા જ મૌની રોય પોતાનો ૩૬મો બર્થ ડે ઉજવવા માટે ગોવા ગઈ હતી. મૌનીએ પોતાના મિત્રો સાથે પુલસાઈડ બર્થ ડે પાર્ટી માણી હતી.
મૌનીના બર્થ ડે સેલિબ્રેશનની તસવીરો અને વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા. સૂરજે મૌની રોયને બર્થ ડે પર સ્પેશિયલ ગિફ્ટ આપી છે. મૌનીના બર્થ ડે પર સૂરજે તેને ક્યૂટ ડોગી ગિફ્ટમાં આપ્યું છે. સૂરજે સોશિયલ મીડિયા પર ડોગની તસવીર શેર કરી હતી. તે જે બાસ્કેટમાં બેઠું હતું તેના પર પાથરેલા ટુવાલમાં મૌની લખેલું હતું. ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં આ ડોગની તસવીર શેર કરતાં સૂરજે લખ્યું, “હેપી બર્થ ડે મૌની.” મૌનીએ આ જ તસવીર પોતાની ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં શેર કરતાં લખ્યું, “બંને મારા છે. આઈ લવ યુ. વર્કફ્રંટની વાત કરીએ તો, મૌની રોય હવે ફિલ્મ ’બ્રહ્માસ્ત્ર’માં જોવા મળશે. આ ફિલ્મમાં આલિયા ભટ્ટ અને રણબીર કપૂર મહત્વના રોલમાં છે.