શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાન સહિત ૮ની અટકાયત

234

આર્યને જણાવ્યું કે તેને પાર્ટીમાં મહેમાન તરીકે બોલાવાયો હતો : તેની પાસેથી ક્રુઝ પર આવવા ફી લેવાઈ નહતી
મુંબઈ, તા.૩
બોલીવુડના સુપરસ્ટાર શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાન સહિત આઠ લોકોની કથિત રેવ પાર્ટી સંદર્ભે એનસીબીએ અટકાયત કરી છે. હાલ આ તમામ લોકોની એનસીબી પૂછપરછ કરી રહી છે. આ મામલે એનસીબીના ચીફ એસ એન પ્રધાને કહ્યું કે બે અઠવાડિયા સુધી ચાલેલી તપાસનું આ પરિણામ છે. આ માટે અમે ગુપ્ત બાતમીઓ પર કાર્યવાહી કરી અને તેમાં કેટલીક બોલીવુડ લિંકની સંડોવણી સામે આવી છે. આ દરમિયાન મોટા પ્રમાણમાં ડ્રગ્સ મળી આવ્યું. આ મામલે તપાસ ચાલુ છે. એનસીબીએ પોતાના ખાસ ઈનપુટ પર બે ઓક્ટોબરના રોજ આ ઓપરેશન લોન્ચ કર્યું હતું. આ દરમિયાન તમામ સંદિગ્ધોની તલાશી લેવાઈ. મળતી માહિતી મુજબ રેડમાં પ્રતિબંધિત ડ્રગ MDMA/ Ecstasy, કોકીન, એડી (મેફેડ્રોન) જેવી વિવિધ ડ્રગ અને ચરસ મળી આવ્યા છે. કહેવાય છે કે આ પાર્ટીમાં બોલીવુડ, ફેશન અને બિઝનેસ સંલગ્ન અનેક મોટામાથા સામેલ થયા હતા. એનસીબીની ટીમ દ્વારા રેડ પાર્ટી પર દરોડો પાડવામાં આવ્યો અને ત્યાં હાજર તમામ લોકોની તલાશી લેવાઈ. આ મામલે અત્યાર સુધીમાં ૮ લોકોની અટકાયત કરાઈ છે. જેમાં શાહરૂખ ખાનનો મોટો પુત્ર આર્યન ખાન પણ સામેલ છે. આ મામલે આર્યન ખાનની પૂછપરછ થઈ. એનસીબીને એક વીડિયો પણ મળ્યો છે જેમાં પાર્ટીમાં આયર્ન ખાન જોવા મળી રહ્યો છે. પૂછપરછમાં આર્યને જણાવ્યું કે તેને આ પાર્ટીમાં મહેમાન તરીકે બોલાવવામાં આવ્યો હતો. તેની પાસેથી ક્રુઝ પર આવવા માટે કોઈ પણ પ્રકારની ફી લેવાઈ નહતી. આર્યને કહ્યું કે તેના નામનો ઉપયોગ કરીને બાકીના મહેમાનને બોલાવવામાં આવ્યા હતા. આ બાજુ પાર્ટીમાં જે પણ લોકો આવ્યા હતા તેમને રોલ પેપર આપવામાં આવ્યા હતા. એનસીબીને મોટાભાગના મહેમાનોના રૂમમાંથી રોલ પેપર મળ્યા છે.

Previous articleહીરાબાએ મતદાન મથકે વ્હીલચેરનો ઉપયોગ ના કર્યો
Next articleભવાનીપુર પેટાચૂંટણીમાં મમતા બેનર્જીએ રેકોર્ડ મતે જીત મેળવી