અભિનેત્રી ઐશ્વર્યા રાય નટૂકાકાને ગુરૂ માનતી હતી

134

મુંબઈ,તા.૪
પોપ્યુલર ટીવી શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં નટ્ટુ કાકાનું પાત્ર ભજવને દર્શકોને હસાવનારા ઘનશ્યામ નાયકે ૭૭ વર્ષની વયે આ દુનિયાને અલવિદા કહ્યું છે. હવે આ અભિનેતાનો કલાપ્રેમ, તેમની કોમિક ટાઈમિંગ, દિલીપ જોશી સાથેની કેમેસ્ટ્રી, ભવાઈમાં તેમનું પ્રદાન વગેરે યાદો ચાહકોના દિલમાં જીવતી રહેશે. ઘનશ્યામ નાયકના નિધનથી કલાકારો તેમની યાદમાં સોશ્યલ મીડિયા પર પોસ્ટ કરી રહ્યા છે. ઘનશ્યામ નાયક ફિલ્મ જગતના જાણીતાં અભિનેતા છે. બહુ ઓછા લોકો એ જાણતાં હશે કે ઐશ્વર્યા રાય તેમને પોતાના ગુરુ માનતી હતી. ઐશ્વર્યા ગુરુ-શિષ્યની પરંપરાનું પાલન કરીને તેમના ચરણ સ્પર્શ કરતી હતી. મીડિયા રિપોર્ટ્‌સ અનુસાર આ વાત ત્યારની છે જ્યારે ઐશ્વર્યાએ હમ દિલ દે ચૂકે સનમ ફિલ્મ કરી હતી. ઐશ્વર્યાને આ ફિલ્મમાં એક ખાસ ડાન્સ કરવાનો હતો જેની ટ્રેનિંગ ઘનશ્યામ નાયકે ઐશ્વર્યાને આપી હતી. મહેસાણા જિલ્લાના વડનગર તાલુકાના ઘનશ્યામ નાયક રંગભૂમિ ઉપરાંત ‘ભવાઈ’ના પણ ઉત્કૃષ્ટ કલાકાર હતા. ભવાઈ લોકનાટ્ય ક્ષેત્રે ઘનશ્યામ નાયકનો ફાળો અમૂલ્ય છે. જ્યારે ‘હમ દિલ દે ચૂકે સનમ’ માટે ઐશ્વર્યાને ‘ભવાઈ‘ શીખવવાનો વારો આવ્યો ત્યારે ઘનશ્યામ નાયકને યાદ કરવામાં આવ્યા. તેમણે ઐશ્વર્યાને ડાન્સ શીખવ્યો, જેની ઝલક દર્શકો ફિલ્મમાં જોઈ ચૂક્યા છે. એક્ટ્રેસ તેમને પોતાના ગુરુ માનવા લાગી હતી અને સેટ પર તેમના ચરણ સ્પર્શ કરીને આશીર્વાદ લેતી હતી.