શમિતાને સપોર્ટ કરવા રાકેશે રોમાન્ટિક વીડિયો શેર કર્યો

137

મુંબઈ,તા.૫
બિગ બોસ ઓટીટી ફાઈનલિસ્ટ શમિતા શેટ્ટીને બિગ બોસ ૧૫ના ઘરમાં પણ એન્ટ્રી મળી છે. બિગ બોસ ઓટીટીમાં શમિતાને જીત માટે પ્રબળ દાવેદાર માનવામાં આવતી હતી, હવે બિગ બોસ ૧૫માં શમિતાનું પર્ફોમન્સ કેવું હશે તે જોવાની વાત છે. જો કે, બિગ બોસ ઓટીટીમાં શમિતાને પોતાના કનેક્શન રાકેશ બાપટનો ઘણો સપોર્ટ હતો. શૉ દરમિયાન શમિતા અને રાકેશ ઘણાં નજીક આવ્યા હતા. બિગ બોસ ૧૫માં ફેન્સ શમિતા અને રાકેશની જોડીને મિસ કરી રહ્યા છે. આ દરમિયાન રાકેશ બાપટે શમિતાને સપોર્ટ કરવા એક વીડિયો શેર કર્યો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે શમિતા અને રાકેશ ફિલ્મ શેરશાહના સુપરહિટ ગીત પર ડાન્સ કરી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે શેરશાહના આ ગીત પર અનેક લોકોએ રીલ બનાવી છે. આ લિસ્ટમાં હવે રાકેશ અને શમિતાનું નામ પણ શામેલ થઈ ગયું છે. રાકેશ બાપટે શમિતા સાથેનો આ ડાન્સ વીડિયો શેર કરીને એક ભાવુક કરનારી પોસ્ટ પણ લખી છે, જે વાંચીને શિલ્પા શેટ્ટીએ પણ પ્રતિક્રિયા આપી છે. રાકેશ બાપટે લખ્યું છે કે, તને સ્ક્રીન પર જોઈને અજીબ લાગશે કારણકે તું મારી સાથે નહીં હોય. પરંતુ મને ખબર છે કે તું શાનદાર કામ કરવા જઈ રહી છે. તું આગળ વધીશ અને બધાને ગૌરવનો અનુભવ કરાવીશ. આ જર્ની દરમિયાન હું દિલથી તારી સાથે રહી. તુ સ્ટ્રોન્ગ છે, તુ રિયલ છે અને મને વિશ્વાસ છે તું ચોક્કસપણે આગળ વધીશ. આ વીડિયોમાં શમિતા અને રાકેશ શેરશાહના ગીત રાંઝા પર ડાન્સ કરી રહ્યા છે. ફેન્સ બન્નેની જોડીને ખૂબ પસંદ કરી રહ્યા છે. રાકેશના વીડિયો પર શમિતા શેટ્ટીની બહેન શિલ્પા શેટ્ટીએ પણ પ્રતિક્રિયા આપી છે. શિલ્પાએ કમેન્ટ સેક્શનમાં લખ્યું છે છુુુ. ઉલ્લેખનીય છે કે બિગ બોસ ઓટીટી સમાપ્ત થયા પછી જ સ્પષ્ટ થઈ ગયુ હતું કે રાકેશ અને શમિતા પોતાના સંબંધને ઘરની બહાર નીકળીને પણ આગળ વધારશે.