આઇપીએલમાં આરસીબીનો હર્ષલ પટેલ બન્યો સૌથી વધુ વિકેટ લેનાર ભારતીય

117

મુંબઇ,તા.૭
આઇપીએલ-ની ૧૪મી સીઝનમાં આરસીબીની ટીમે શાનદાર પ્રદર્શન કર્યું છે અને પ્લેઓફમાં પણ પહોંચી ગઈ છે. ટીમની આ સફળતા પાછળ ટીમના સ્ટાર બોલર હર્ષલ પટેલનો બહુ મોટો ફાળો રહ્યો છે. હર્ષલ આ સીઝનમાં ૨૯ વિકેટ લઈ ચૂક્યો છે અને એક સીઝનમાં સૌથી વધુ વિકેટ લેનારો ભારતીય બોલર પણ બની ગયો છે. ભારતના યોર્કરકિંગ જસપ્રિત બુમરાહનો રેકોર્ડ તેણે પોતાના નામે કરી દીધો છે.હર્ષલે બુધવારે સનરાઇઝર્સ હૈદરાબાદ સામે શાનદાર બોલિંગ કરતાં ત્રણ વિકેટ ઝડપી હતી. તેણે ૪ ઓવરમાં ૩૩ રન આપીને ત્રણ વિકેટ ઝડપી હતી. તેણે એક વિશેષ સિદ્ધિ પણ હાંસલ કરી હતી. તે ટૂર્નામેન્ટની કોઈપણ એક સીઝનમાં સૌથી વધુ વિકેટ ઝડપનારો ભારતીય બોલર બન્યો છે.ગત સીઝનમાં બુમરાહે મુંબઈ ઈન્ડિયન્સ તરફથી રમતાં કુલ ૨૭ વિકેટ ઝડપી હતી. તેણે ૨૦૧૭માં ભુવનેશ્વર કુમારે લીધેલી ૨૬ વિકેટ લેવાનો રેકોર્ડ તોડ્યો હતો. હર્ષલે બુધવારે (૬ ઓક્ટોબર) સનરાઇઝર્સ હૈદરાબાદ સામે ત્રણ વિકેટ ખેરવવાની સાથે બુમરાહનો રેકોર્ડ તોડ્યો છે. જયદેવ ઉનડકટે ૨૦૧૭માં ૨૪ વિકેટ ઝડપી હતી અને તે આ લિસ્ટમાં હરભજનસિંહ સાથે સંયુક્ત રીતે ચોથા ક્રમે છે.