ગુજરાતમાં પ્રથમવાર પેટ્રોલની સદી

96

પેટ્રોલ ૨૯ પૈસા વધી ૧૦૦.૦૪ પ્રતિ લિટરે પહોંચ્યું
ગાંધીનગર,તા.૭
નવરાત્રિના પહેલા દિવસે જ ગુજરાતમાં પેટ્રોલનો ભાવ રૂ. ૧૦૦ પ્રતિ લિટર થઈ ગયો છે. તહેવારોની શરૂઆતના સમયે જ ૭ ઓક્ટોબરે પેટ્રોલમાં ભાવ ૨૯ પૈસા વધીને અમદાવાદમાં રૂ. ૧૦૦.૦૪ પ્રતિ લિટર પહોંચી ગયો છે. ગુજરાતમાં છેલ્લા ત્રણ દિવસથી સતત પેટ્રોલના ભાવમાં વધારો થઈ રહ્યો છે. ત્રણ દિવસ દરમિયાન પેટ્રોલમાં ૮૪ પૈસા જેવો વધારો થયો છે. સતત વધતી મોંઘવારી વચ્ચે પેટ્રોલના ભાવ વધી જતાં મધ્યમવર્ગની કમર ભાંગી ગઈ છે. ગુજરાતમાં પેટ્રોલના ભાવ જોઈએ તો છેલ્લા એક વર્ષમાં પેટ્રોલની કિંમતમાં રૂ. ૨૨ જેવો વધારો થયો છે. ગત વર્ષે ઓકટોબર-નવેમ્બર દરમિયાન પેટ્રોલનો ભાવ રૂ. ૭૮ પ્રતિ લિટર આસપાસ ચાલી રહ્યો હતો. ગુજરાત પેટ્રોલિયમ ડીલર્સ એસોસિયેશનના સેક્રેટરી ધીમંત ઘેલાણીએ કહ્યું હતું કે વૈશ્વિક બજારમાં ક્રૂડ ઓઇલના ભાવ વધારા પાછળ ભારતમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ સતત વધી રહ્યા છે. ગુજરાતની વાત કરી તો પાછલા ૧૫ દિવસમાં પેટ્રોલમાં રૂ. ૨ અને ડીઝલમાં રૂ. ૩.૪૨ પ્રતિ લિટરે વધારો થયો છે. ગુજરાતના પેટ્રોલ પંપ રોજનું ૨.૬૬ કરોડ લિટર પેટ્રોલ અને ડીઝલ ખરીદે છે. ઘરેલુ બજારમાં પેટ્રોલ અને ડીઝલની રિટેલ કિંમત આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડની કિંમત સાથે જોડાયેલી છે. એનો મતલબ એ છે કે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડની કિંમત વધે તો ઘરઆંગણે પણ પેટ્રોલિયમ પેદાશોના ભાવમાં વધારો જોવા મળે છે. અત્યારે વૈશ્વિક બજારમાં બ્રેન્ટ ક્રૂડનો ભાવ ૮૧ ડોલર પ્રતિ બેરલ ચાલી રહ્યો છે.