દેશમાં ૨૪ કલાકમાં કોરોનાના નવા ૯૨૧૬ કેસ નોંધાયા

13

રિકવરી રેટની વાત કરીએ તો તે ૯૮.૩૫% છે, છેલ્લા ૨૪ કલાકમાં ૮,૬૧૨ લોકો કોરોનાથી સ્વસ્થ થયા છે
નવી દિલ્હી, તા.૩
છેલ્લા ૨૪ કલાકમાં દેશમાં કોરોનાના ૯,૨૧૬ નવા કેસ નોંધાયા છે. રિકવરી રેટની વાત કરીએ તો તે ૯૮.૩૫% છે. છેલ્લા ૨૪ કલાકમાં ૮,૬૧૨ લોકો કોરોનાથી સ્વસ્થ થયા છે. અત્યાર સુધીમાં કુલ ૩,૪૦,૪૫,૬૬૬ લોકો સાજા થયા છે. દૈનિક પોઝિટિવીટી રેટ ૦.૮૦% છે. સાપ્તાહિક પોઝિટિવીટી રેટ ૦.૮૪% છે, જે છેલ્લા ૧૯ દિવસથી ૧ ટકાથી નીચે છે. અત્યાર સુધીમાં કુલ ૧૨૫.૭૫ કરોડ રસીકરણ કરવામાં આવ્યું છે. દક્ષિણ આફ્રિકામાં કોરોનાનું નવું સ્વરૂપ ઓમિક્રોન મળ્યા બાદ ભારતમાં પણ સાવચેતી રાખવામાં આવી રહી છે. હવે આ વેરિઅન્ટ ભારતમાં પહોંચી ગયું છે. ભારતમાં અત્યાર સુધીમાં કોરોનાના નવા પ્રકાર, ઓમિક્રોનના બે કેસ નોંધાયા છે. તેમાંથી એક ભારતીય નાગરિક છે અને બીજો દક્ષિણ આફ્રિકાનો છે. ભારતીય નાગરિકમાં ૨૧ નવેમ્બરે લક્ષણો (તાવ અને શરીરમાં દુખાવો) નોંધાયા હતા. બીજા દિવસે તેનો ટેસ્ટ પોઝિટિવ આવતા તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. તે જ સમયે, દક્ષિણ આફ્રિકાના નાગરિકમાં કોઈ લક્ષણો જોવા મળ્યા ન હતા. નોંધનીય છે કે, જામનગરમાં પણ ઓમિક્રોનનો આ પહેલો શંકાસ્પદ કેસ નોંધાયો છે. જામનગરમાં આફ્રિકા ટ્રાવેલની હિસ્ટ્રી ધરાવતા એક વ્યકિતનો કોરોના પોઝિટિવ રિપોર્ટ આવતા દોડધામ મચી છે. ઓમિક્રોન વેરિયન્ટનો શંકાસ્પદ કેસ હોવાનું દેખાતા આરોગ્ય વિભાગ દ્વારા પુણેની લેબમાં સેમ્પલ મોકલવામા આવ્યા છે. હાલ આ દર્દીને અઈસોલેશન વોર્ડમાં દાખલ કરવામાં આવ્યો છે. કોરોના પોઝિટિવ જાહેર થયેલા દર્દીના નમુના લઇ પુણે લેબમાં મોકલી આપ્યા છે. નવા વેરીયંટની ભારતમાં એન્ટ્રી થઇ ચુકી છે ત્યારે આફ્રિકાની ટ્રાવેલ હિસ્ટ્રી ધરવતા દર્દીના રીપોર્ટ પર સવિશેષ નજર રહેશે. હેલ્થ મિનિસ્ટ્રીના જોઈન્ટ સેક્રેટરી લવ અગ્રવાલે ગુરુવારે ઓમિક્રોન અંગેની માહિતી આપી હતી. તેમણે કહ્યું હતું કે, કોરોનાનો નવો વેરિયન્ટ ઓમિક્રોન ઝડપથી ફેલાવાની શક્યતા છે. હવે ઓમિક્રોનના ૨૯ દેશમાં ૩૭૩ કેસ મળ્યા છે. સરકારે આ અંગે કહ્યું હતું કે, નવો વેરિયન્ટ ડેલ્ટાથી ૫ ગણો ઝડપથી ફેલાય છે. તેમણે કહ્યું કે, એક મહિનાથી દેશમાં કોરોનાના કેસ સતત ઘટી રહ્યાં છે. જોકે ચિંતાનો વિષય એ છે કે ૧૫ જિલ્લામાં હાલ પણ પોઝિટિવિટી રેટ ૧૦ ટકાથી વધુ છે. ૧૮ જિલ્લામાં તે ૫થી ૧૦ ટકા છે. કેરળ અને મહારાષ્ટ્રમાં જ હાલ ૧૦ હજારથી વધુ એક્ટિવ કેસ છે. દેશના ૫૫ ટકાથી વધુ કેસ અહીં જ નોંધાયા છે.