જાસુસી કેસ : વૈજ્ઞાનિકને ૫૦ લાખ આપવા હુકમ

1017

ઇસરો જાસૂસી મામલામાં સુપ્રીમ કોર્ટે આજે મોટો અને મહત્વનો ચુકાદો આપ્યો હતો. શુક્રવારના દિવસે કોર્ટે અત્યાચારના શિકાર થયેલા ઇસરોના વૈજ્ઞાનિકને ૫૦ લાખ રૂપિયાનું વળતર આપવાનો આદેશ કર્યો હતો. ઇસરો જાસુસી કેસમાં સુપ્રીમ કોર્ટે વૈજ્ઞાનિકને ૫૦ લાખ રૂપિયાના વળતરની જાહેરાત કરી હતી. સુપ્રીમ કોર્ટે ચુકાદામાં કહ્યું હતું કે, આ કેસમાં વૈજ્ઞાનિક એસ નંબી નારાયણને ૨૪ વર્ષ પહેલા કેરળ પોલીસ દ્વારા બિનજરૂરીરીતે પકડી પાડવામાં આવ્યા હતા. નારાયણને હેરાન કરવામાં આવ્યા હતા અને માનસિક ત્રાસ ગુજારવામાં આવ્યો હતો. સુપ્રીમ કોર્ટે કેરળના પોલીસ અધિકારીઓની ભૂમિકામાં પણ તપાસ કરવાનો આદેશ કર્યો છે. ચીફ જસ્ટિસ દિપક મિશ્રાના નેતૃત્વમાં જસ્ટિસ એએમ ખાનવીલકર અને ડીવાય ચંદ્રચુડની બેંચે ૭૬ વર્ષીય નારાયણને મોટી રાહત આપી હતી.

નારાયણનએ કેરળ હાઈકોર્ટના ચુકાદાની સામે સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી હતી. હાઈકોર્ટે પોતાના ચુકાદામાં કહ્યું હતું કે, પૂર્વ ડીજીપી અને બે નિવૃત્ત એસપી કેકે જોસુઆ અને એસ વિજિયનની સામે કાર્યવાહી કરવાની કોઇ જરૂર દેખાતી નથી જ્યારે વૈજ્ઞાનિકની ખોટીરીતે ધરપકડના મામલામાં સીબીઆઈ દ્વારા આ અધિકારીઓને જવાબદાર ઠેરવવામાં આવ્યા હતા. આની સાથે જ કોર્ટે જાસુસીના મામલામાં નારાયણને આરોપી તરીકે દર્શાવવાના મામલામાં પૂર્વ ન્યાયમૂર્તિ બીકે જૈનના નેતૃત્વમાં ત્રણ સભ્યોની પેનલની રચના કરી હતી. ૧૯૯૪ના જાસુસીના મામલામાં મુક્ત કરવામાં આવેલા ઇસરોના પૂર્વ વૈજ્ઞાનિક ત્યારથી જ કાયદાકીય લડત ચલાવી રહ્યા હતા. વૈજ્ઞાનિકે દાવો કર્યો હતો કે, તેમને જાસુસીના ખોટા કેસમાં ફસાવી દેવામાં આવ્યા છે. જાસુસી મામલામાં નારાયણન અને એક અન્યને પકડી લેવામાં આવ્યા

હોવાનો દાવો કરાયો હતો અને પોલીસે કહ્યું હતું કે, કેટલાક દસ્તાવેજ આ લોકોએ પાકિસ્તાનને આપ્યા હતા. તપાસ બાદ સીબીઆઈએ કહ્યું હતું કે  આ આક્ષેપ ખોટા છે. મામલામાં ફરી તપાસના આદેશ કરાયા હતા. ૧૯૯૮માં સુપ્રીમ કોર્ટે મામલાને રદ કર્યો હતો. ત્યારબાદ નારાયણન રાષ્ટ્રીય માનવ અધિકાર પંચમાં પહોંચ્યા હતા અને જ્યાં પંચ દ્વારા ૧૦ લાખ રૂપિયાના વળતરનો આદેશ કરવામાં આવ્યો હતો. આનાથી પણ ઇસરોના પૂર્વ વૈજ્ઞાનિક સંતુષ્ટ થયા ન હતા અને તેઓ સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યા હતા. આખરે સુપ્રીમ કોર્ટે વૈજ્ઞાનિકને ૫૦ લાખ રૂપિયાના વળતરની ચુકવણી કરવાનો આદેશ કર્યો છે.

Previous articleઅમેરિકાના બોસ્ટનમાં ગેસ પાઈપ લીકેજથી બ્લાસ્ટ : ૧નું મોત,છ ઘાયલ
Next articleWPI ફુગાવો ૪.૫૩ ટકા : ચાર માસની નીચી સપાટીએ પહોંચ્યો