શ્રીનગરની શાળામાં બે શિક્ષકોની ગોળી મારીને આતંકી દ્વારા હત્યા

150

સ્ટાફના અન્ય સભ્યો સાથે બંને શિક્ષક બેઠા હતા ત્યારે આતંકવાદીઓએ નામ પુછીને બંને શિક્ષકોને અલગ અલગ કરીને તેમને ઠાર કર્યા હતા
(સંપૂર્ણ સમાચાર સેવા) જમ્મુ, તા.૭
જમ્મુ અને કાશ્મીરનો વિશેષ દરજ્જો રદ્દ કર્યા બાદ કુખ્યાત આઈએસઆઈ ખૂબ જ રઘવાયું થયું છે. અફઘાનિસ્તાનમાં તાલિબાનનો કબજો અને કાશ્મીર વેલીમાં ધ રેઝિસ્ટન્સ ફોર્સના નામે આતંકના નવા ચહેરાનો ઉદય સાથે જમ્મુ કાશ્મીરમાં આતંકવાદનો ખતરનાક ટ્રેન્ડ ચાલું થયો છે. તે છે ટાર્ગેટેડ કિલિંગ. હવે આતંકીઓના નિશાને નાગરિકો છે અને તે પણ બિન મુસ્લિમ હિંદુ કાશ્મીરી પંડિતો અને શીખ કોમના અથવા તો બહારથી આવીને કાશ્મીરમાં વસેલા લોકો, આ કેટલાક અંશે ૯૦ના દાયકામાં સમગ્ર કાશ્મીરમાં પાકિસ્તાન પ્રાયોજિત આતંકવાદનો જન્મ થયો તેના જેવું છે અને વીણી વીણીને કાશ્મીરી પંડિતોની હત્યાઓ કરવાનું શરું થયું હતું. શ્રીનગરના નામાંકીત કાશ્મીરી પંડિત માખનલાલ બિન્દ્રુની એક ડરપોકની જેમ મોઢું છુપાવીને ઘાત લગાવીને હત્યા કરવાનો મામલો હજુ ઠંડો થયો ન હતો કે ગુરુવારે શ્રીનગરમાં જ શાળાની અંદર બે શિક્ષકોની ગોળી મારીને હત્યા કરવામાં આવી. છેલ્લા એક સપ્તાહમાં આતંકીઓએ ૭ નાગરિકોની હત્યા કરી છે. શ્રીનગરના ઇદગાહ સંગમ વિસ્તારમાં આતંકવાદીઓ શાળામાં ઘુસી ગયા અને પ્રિન્સિપલ સતિન્દર કૌર અને શિક્ષક દીપક ચાંદની ગોળી મારીને હત્યા કરી. બંને બાકીના સ્ટાફ સાથે શાળા પરિસરની બહાર બેઠા હતા. ત્યારે જ અચાનક સશસ્ત્ર આતંકવાદીઓ આવ્યા. એક પછી એક શિક્ષકોએ તેમના નામ પૂછ્યા જે બાદ સતીન્દર કૌર અને દીપક ચંદને અલગ કર્યા અને તેમની હત્યા કરી નાખી હતી. હકીકતમાં ૫ ઓગસ્ટ ૨૦૧૯ ના રોજ જમ્મુ અને કાશ્મીરનો વિશેષ દરજ્જો રદ થયા બાદ સુરક્ષા દળો પર આતંકવાદી હુમલાની ઘટનાઓ ઘટી છે પરંતુ નાગરિકો પર આતંકવાદી હુમલાઓ વધ્યા છે. બિન-કાશ્મીરી મજૂરોની હત્યાથી શરૂ થયેલો આ આતંકનો ખેલ ભાજપના નેતાઓ, સરપંચો અને છેલ્લે હવે ફરી એકવાર કાશ્મીરી પંડિતોને લક્ષ્ય કરીને હત્યા કરવા સુધી પહોંચ્યો છે.