બારાબંકીમાં બસ અને ટ્રકની ટક્કર થતાં ૧૪ જણાનાં મોત

177

બારાબંકી , તા.૭
ઉત્તરપ્રદેશના બારાબંકી જિલ્લામાં ગુરુવારે સવારે એક રોડ અકસ્માત થયો હતો, જેમાં અત્યાર સુધી ૧૪ લોકોનાં મૃત્યુ થયા છે. પ્રાપ્ત જાણકારી અનુસાર, આ દુર્ઘટનામાં એક ટૂરિસ્ટ બસ અને ટ્રક વચ્ચે ભીષણ ટક્કર થઈ ગઈ હતી. દુર્ઘટનામાં બસનો કચ્ચરધાણ નીકળી ગયો હતો. મૃતકોની સંખ્યા અત્યારે ૧૪ જણાવવામાં આવી રહી છે, પરંતુ આ સંખ્યા વધવાની શક્યતા છે.
બારાબંકીમાં આ દુર્ઘટના દેવા વિસ્તારમાં ગુરુવારે સવારે રાજધાની લખનઉ પાસે આવેલા કિસાન પથ પર બની હતી. પ્રાપ્ત જાણકારી અનુસાર, દિલ્હીથી બહરાઈચ જઈ રહેલી મુસાફરોથી ભરેલી બસ અને એક ટ્રકની આમને સામને ટક્કર થઈ હતી. આ ઘટનામાં અત્યાર સુધી ૧૪ લોકોનાં મોત થયા છે. અનેક લોકો ઘટનામાં ઈજાગ્રસ્ત થયા હોવાની જાણકારી મળી છે.
આ પહેલા બારાબંકીના ડીએમ અને એસપીએ દુર્ઘટનાની જાણકારી આપી હતી. તમામ ઈજાગ્રસ્ત લોકોને ટ્રોમા સેન્ટરમાં દાખલ કરવામાં આવ્યા છે. ઘટનાની જાણકારી મળ્યા પછી પોલીસ ફોર્સ અને એમ્બ્યુલન્સ ઘટનાસ્થળ પર પહોંચી ગયા હતા. નોંધનીય છે કે ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આ દુર્ઘટના પર દુખ વ્યક્ત કર્યું છે. તેમણે ટિ્‌વટ કરીને લખ્યું છે કે, બારાબંકીમાં રોડ અકસ્માતમાં થયેલા નાગરિકોના મૃત્યુ અત્યંત દુખદ છે. મારી સંવેદનાઓ મૃતકોના પરિવાજનો સાથે છે. પ્રભુ શ્રી રામને પ્રાર્થના છે કે દિવંગત આત્માઓને શાંતિ આપે અને ઈજાગ્રસ્તો વહેલીતકે સાજા થઈ જાય. મૃતકોના પરિવારજનોને ૨ લાખ રુપિયા તથા ઈજાગ્રસ્ત લોકોને ૫૦ હજાર રુપિયાની આર્થિક સહાય આપવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે આ પહેલા પણ લગભગ બે મહિના પહેલા બારાબંકીમાં થયેલા એક રોડ અકસ્માતમાં ૧૮ મજૂરોએ જીવ ગુમાવ્યા હતા. તે સમયે બસ ખરાબ થઈ જવાને કારણે મજૂરો રોડ પર આરામ કરી રહ્યા હતા. તે સમયે પાછળથી પૂરઝડપે આવેલી એક ટ્રકે તેમને કચડી કાઢ્યા હતા. બસ હરિયાણાથી બિહાર તરફ જઈ રહી હતી.