પીએમ કેર્સ ભંડોળ હેઠળ સ્થાપવામાં આવેલા ૩૫PSAઓક્સિજન પ્લાન્ટ્‌સ પ્રધાનમંત્રીએ દેશને અર્પણ કર્યા

11711

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઉત્તરાખંડના ઋષિકેશમાં એઇમ્સ ખાતે યોજવામાં આવેલા એક કાર્યક્રમ દરમિયાન પીએમ કેર્સ ભંડોળ હેઠળ દેશને ૩૫ પ્રેશર સ્વિંગ એબ્સોર્પ્શન(PSA) ઓક્સિજન પ્લાન્ટ્‌સનું રાષ્ટ્રને સમર્પિત કર્યું હતું જેમાં ભાવનગર રેલવે અસ્પતાલ માં કાર્યરત ઓક્સિજન પ્લાન્ટનો પણ સમાવેશ થાય છે. કેન્દ્રીય મંત્રીઓ, ઉત્તરાખંડના રાજ્યપાલ અને મુખ્યમંત્રી, રાજ્ય મંત્રીઓ તેમજ આરોગ્ય મંત્રી આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા.આ પ્રસંગે ઉપસ્થિતોને સંબોધિત કરતા, પ્રધાનમંત્રીએ ટાંક્યું હતું કે, આજથી નવરાત્રિનો પાવન તહેવાર શરૂ થઇ રહ્યો છે. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, કોરોના મહામારી સામે લડવા માટે ખૂબ જ ટૂંકા સમયગાળામાં જે પ્રકારે ભારતે સુવિધાઓ ઉભી કરી છે તે આપણા દેશની ક્ષમતાઓ બતાવે છે. મહામારી પહેલાંના સમયમાં માત્ર ૧ પરીક્ષણની લેબોરેટરીઓ હતી જ્યારે હવે દેશમાં અંદાજે ૩૦૦૦ પરીક્ષણ લેબોરેટરીઓનું નેટવર્ક તૈયાર થઇ ગયું છે. ભારત માસ્ક અને કિટ્‌સના આયાતકાર દેશમાંથી નિકાસકાર દેશ બની ગયો છે. ભારતે મેડ ઇન ઇન્ડિયા કોરોના રસીનું ઝડપથી અને ખૂબ મોટાપાયે ઉત્પાદન કર્યું છે. ભારતે વિશ્વનું સૌથી મોટું અને ઝડપી રસીકરણ અભિયાન અમલમાં મૂક્યું છે. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, ભારતે જે કર્યું છે તે આપણા દૃઢ નિર્ધાર, આપણી સેવા અને આપણી એકતાનું પ્રતીક છે.પ્રધાનમંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, સામાન્ય દિવસોમાં ભારતમાં દરરોજ ૯૦૦ મેટ્રિક ટન પ્રવાહી મેડિકલ ઓક્સિજનનું ઉત્પાદન કરવામાં આવતું હતું. જોકે, જેમ જેમ માંગ વધતી ગઇ તેમ ભારતે મેડિકલ ઓક્સિજનનું ઉત્પાદન વધારીને તેમાં ૧૦ ગણાથી વધુ વૃદ્ધિ કરી છે. તેમણે ઉમેર્યું હતું કે, દુનિયાના કોઈપણ દેશ માટે આ એક અકલ્પનીય લક્ષ્ય હતું, પરંતુ ભારતે તેને પ્રાપ્ત કરી બતાવ્યું છે. પ્રધાનમંત્રીએ ટિપ્પણી કરી હતી કે, દરેક ભારતીય માટે ગૌરવ લેવાની બાબત છે કે કોરોના રસીના ૯૩ કરોડ ડોઝ અત્યાર સુધીમાં આપી દેવામાં આવ્યા છે. બહુ ટૂંક સમયમાં જ ભારત ૧૦૦ કરોડ ડોઝ આપવાનો આંકડો ઓળંગી જશે. અટલ બિહારી વાજપેયી માનતા હતા કે, કનેક્ટિવિટીનો સીધો સંબંધ વિકાસ સાથે છે. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, તેમની પ્રેરણાને કારણે જ, આજે દેશમાં અભૂતપૂર્વ ગતિએ અને વ્યાપકતાએ કનેક્ટિવિટી માટે માળખાકીય સુવિધાઓ સુધારવાનું કામ કરવામાં આવી રહ્યું છે.