ભાવનગરમાં કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓની માહિતી આપતું ચિત્ર પ્રદર્શન ખુલ્લુ મુકાયું

167

જિલ્લા કાનૂની સેવા સત્તામંડળના ચેરમેન આર.ટી. વાચ્છાણીના વરદ હસ્તે ખુલ્લું મુકવામાં આવ્યું : પ્રદર્શનની ૭૯૧ કરતાં વધારે લોકોએ મુલાકાત લઈ સરકારી યોજનાઓ વિશે માહિતી મેળવી
રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તામંડળ, સુપ્રીમ કોર્ટ, નવી દિલ્હી તથા ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ, હાઈકોર્ટ, અમદાવાદની સૂચના અનુસાર જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ ભાવનગર દ્વારા પાન ઇન્ડિયા અવેરનેસ આઉટરિચ પ્રોગ્રામ અંતર્ગત તારીખ ૨ ઓક્ટોબર થી ૧૪ નવેમ્બર ૨૦૨૧ સુધી જુદા- જુદા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત આજે રવિવારે કેન્દ્ર સરકાર તથા રાજ્ય સરકાર દ્વારા ચાલતી અલગ-અલગ યોજનાઓ તેમજ નાલસાની વિવિધ યોજનાઓની માહિતી આપતું પ્રદર્શન અટલ બિહારી વાજપેયી ઓડીટોરીયમ હોલ, ટાઉનહોલ પાસે ભાવનગર ખાતે સવારના ૯ થી બપોરના ૨ઃ૩૦ કલાક સુધી યોજવામાં આવ્યું હતું.

આ મેગા પ્રદર્શનને જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ, ભાવનગરના ચેરમેન આર.ટી. વાચ્છાણીના વરદ હસ્તે ખુલ્લું મુકવામાં આવ્યું હતું. આ પ્રસંગે ભાવનગર જિલ્લાના તમામ અધિક જિલ્લા ન્યાયાધીશો, સિનિયર તથા જૂનિયર સિવિલ જજ ઉપસ્થિત રહ્યાં હતાં. આ પ્રદર્શનમાં ફેમિલી કોર્ટના ન્યાયાધીશ એમ.એમ. મનસૂરી, તેમજ પેનલ એડ્‌વોકેટ, પી.એલ.વી.ઓ તથા સરકારના અલગ-અલગ વિભાગના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં. આ પ્રદર્શનમાં રેડક્રોસ દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત આ પ્રદર્શનની ૭૯૧ કરતાં વધારે લોકોએ મુલાકાત લઈ અલગ-અલગ સરકારી યોજનાઓ વિશેની માહિતી મેળવી હતી. આજના ’વિશ્વ મેન્ટલ દિવસ’ના અવસરે જિલ્લા ન્યાયાધીશ દ્વારા ટોપ એફ. એમ.રેડીયો સાથે ઇન્ટરવ્યૂ પણ આપવામાં આવ્યો હતો. ડી.એલ.એસ.એ., ભાવનગર તથા ડો.અશોક વાળા, સર ટી.હોસ્પિટલની પણ જજઓ દ્વારા મુલાકાત લઈને વિકલાંગો માટે ઉપલબ્ધ સુવિધા અને વ્યવસ્થાઓ નિહાળી હતી.