સનરાઇઝર્સ હૈદરાબાદથી અલગ થવા વોર્નરની જાહેરાત

145

નવી દિલ્હી, તા.૧૦
આઈપીએલ ફ્રેન્ચાઇઝી સનરાઇઝર્સ હૈદરાબાદના પૂર્વ કેપ્ટન અને ઓપનિંગ બેટ્‌સમેન ડેવિડ વોર્નરે આજે ટીમથી અલગ થવાની જાહેરાત કરી દીધી છે. તેણે ઇન્સ્ટાગ્રામ પર તસવીરો શેર કરી આ વાતની જાણકારી આપી છે. વોર્નર આ સીઝનની શરૂઆતમાં ટીમનો કેપ્ટન હતો, પરંતુ ત્યારબાદ ખરાબ ફોર્મને કારણે તેની પાસેથી કેપ્ટનશિપ છીનવી લેવામાં આવી હતી. તેના સ્થાને કેન વિલિયમસનને ટીમની કમાન સોંપવામાં આવી હતી. ત્યારબાદ આઈપીએલ ૨૦૨૧ના યૂએઈ ફેઝમાં કેટલીક મેચ બાદ તેને ટીમમાંથી બહાર કરી દેવામાં આવ્યો હતો પરંતુ વોર્નરે ટીમથી અલગ થવાના સંકેત પહેલા આપી દીધા હતા. તેણે મુંબઈ ઈન્ડિયન્સ વિરુદ્ધ મેચની શરૂઆત થવા પર પોતાના ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરી હૈદરાબાદ ટીમને અલવિદા કહેવાના સંકેત આપ્યા હતા. તેણે લખ્યું હતું- જેટલી પણ યાદો બની તે બધા માટે આભાર. બધા ફેન્સનો દિલથી આભાર જે હંમેશા ટીમને સારૂ કરવા અને ૧૦૦ ટકા આપવા પ્રેરિત કરે છે. તમે જેટલો ટીમને સપોર્ટ કર્યો તે માટે તમારો જેટલો આભાર માનુ તે ઓછો છે. આ એક શાનદાર સફર રહી. હું અને મારો પરિવાર તેને મિસ કરીશું. છેલ્લીવાર ફરીથી છેલ્લો પ્રયાસ કરીએ છીએ. ડેવિડ વોર્નર વર્ષ ૨૦૧૬માં ટીમને આઈપીએલ ટ્રોફી અપાવી ચુક્યો છે. ત્યારે હૈદરાબાદે ફાઇનલમાં વિરાટ કોહલીની ટીમ આરસીબીને પરાજય આપ્યો હતો. વોર્નરે આઈપીએલમાં સતત છ સીઝન સુધી ૫૦૦થી વધુ રન બનાવ્યા છે. તે આ સિદ્ધિ મેળવનાર પ્રથમ બેટ્‌સમેન છે. તેણે ૨૦૧૪થી લઈને વર્ષ ૨૦૨૦ સુધી પોતાની ટીમ માટે દરેક સીઝનમાં ૫૦૦થી વધુ રન બનાવ્યા છે.