ભાવનગર શહેરના કેટલાક વિસ્તારમાં ગાજવીજ સાથે વરસાદ, લોકોને ગરમીમાંથી મળી રાહત

648

શહેર મધ્યમાં એક છાંટ પણ ન વરસતા લોકો આશ્ચર્ય ચકિત….!
ભાવનગર શહેર-જિલ્લામાંથી વિદાય લઈ રહેલા મેઘરાજા દરરોજ જિલ્લામાં અલગ-અલગ સ્થળોએ હળવું ભારે હેત વરસાવી રહ્યાં છે. જોકે, શહેરમાં વરસાદનું ટીપું પણ વરસ્યું ન હોવાથી લોકો ગરમી-બફારથી તોબા પોકારી ગયાં છે ત્યારે આજે સોમવારે શહેરના પશ્ચિમ ભાગમાં અડધો કલાક ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો. રાજ્યના હવામાન વિભાગે અગાઉ જાહેરાત કરી હતી કે સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છ સહિતના વિસ્તારોમાંથી ધીમે ધીમે ચોમાસું વિદાય લેશે. પરંતુ આજે અગિયાર તારીખ થવા છતાં રાજ્યના ઘણાં ખરાં વિસ્તારોમાં વરસાદ શરૂ છે. ત્યારે ભાવનગર શહેર-જિલ્લામાં છેલ્લા એક સપ્તાહથી અસહ્ય બફારા સાથે આકરો તાપ અને મહત્તમ તાપમાન 35 ડીગ્રીને પાર પહોંચી ગયું છે. જેથી લોકો વહેલી તકે શિયાળાનો આરંભ થાય અને ચોમાસું પૂર્ણ થાય એવી કામનાઓ કરી રહ્યાં છે. ત્યારે આજે પણ દરરોજની માફક સવારથી જ લોકો પરસેવો રેબઝેબ થઈ જાય એ હદે બાફ-તાપ અકબંધ હતો. આ દરમિયાન અઢી વાગ્યે “વાઝડી વળી” હતી અને તેજ પવન-વંટોળ સાથે મોટા છાંટા સાથે ધોધમાર વરસાદ શરૂ થયો હતો. સતત અડધી કલાક સુધી વરસાદ શરૂ રહેતાં શેરી-સોસાયટીઓમાં પાણી વહેતા થયા હતા. શહેરના નારી ચોકડીથી લઈને બોરતળાવ સુધીના એરીયામાં વરસાદ પડ્યો હતો. જેમાં ચિત્રા-ફૂલસર વિસ્તારમાં ભારે વરસાદ પડ્યો હતો. બોરતળાવ વિસ્તારથી આગળ શહેરના અન્ય વિસ્તારોમાં એક ટીપું પણ પડ્યું ન હતું. ચિત્રા-ફૂલસર વિસ્તારમાં વરસાદ શરૂ થતાં થોડા સમય માટે નવરાત્રિના આયોજકો મૂંઝવણમાં મુકાયા હતાં. પરંતુ અડધા કલાક બાદ વરસાદ બંધ થઈ જતાં લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. જોકે, વરસાદ બંધ થતાં જ બફારો પુનઃ શરૂ થઈ ગયો હતો. આ ખંડવૃષ્ટિએ લોકોને વિસ્મયમાં મુકયા હતાં.

Previous articleશક્તિધામ ભંડારિયામાં બહુચરાજી મંદિરે માતાજીની આરતીનો અદભુત નજારો, ભાવિક ભક્તોએ મહાઆરતીનો લીધો લાભ
Next articleભાવનગરમાં SOGની ટીમે પ્રોહિબિશન કેસમાં વોન્ટેડ બુટલેગરને ઝડપી પાડ્યો