રિકી પોન્ટિંગએ ધોનીને મહાન ફિનિશર ગણાવ્યો!

118

દુબઇ,તા.૧૧
મહેન્દ્ર સિંહ ધોની ભલે ૪૦ વર્ષનો હોય પરંતુ તેમની કેપ્ટનશિપનો હજુ કોઈ તોડ નથી. આઈપીએલ ૨૦૨૧ માં તેણે ટીમને ફાઇનલમાં લઈ જઈને આ સાબિત કર્યું છે. ધોનીએ રવિવારે ક્વોલિફાયર ૧ મેચમાં દિલ્હી કેપિટલ્સ સામે માત્ર ૬ બોલમાં અણનમ ૧૮ રન બનાવી ટીમને છેલ્લી ઓવરમાં જીત અપાવી હતી. છેલ્લી ઓવરમાં જીતવા માટે ૧૩ રનની જરૂર હતી, જે ધોનીએ લઈ લીધા. આ પછી ક્રિકેટ જગતમાં ધોનીની સતત પ્રશંસા થઈ રહી છે. વિરાટ કોહલીએ તેને વિશ્વનો સર્વશ્રેષ્ઠ ફિનિશર ગણાવ્યો હતો, હવે દિલ્હી કેપિટલ્સના મુખ્ય કોચ રિકી પોન્ટિંગ પણ ધોનીના દિવાના બની ગયા છે. પોન્ટિંગનું માનવું છે કે ધોનીના નિવૃત્ત થયા બાદ પણ તેની ગણતરી અત્યાર સુધીના ઉત્તમ ફિનિશર્સમાં થશે. મેચ પછીની પ્રેસ કોન્ફરન્સમાં પોન્ટિંગે કહ્યું કે, ધોની મહાન ખેલાડીઓમાંથી એક રહ્યો છે તેમાં કોઈ શંકા નથી. અમે ડગઆઉટમાં બેઠા હતા અને વિચારી રહ્યાં હતા કે રવિન્દ્ર જાડેજા કે ધોની આગળ આવશે? મને ખાતરી છે કે ધોની હવે મેદાનમાં આવશે અને રમતને ઠંડી કરવાનો પ્રયાસ કરશે. ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ કેપ્ટને કહ્યું કે મને લાગે છે કે જ્યારે ધોની નિવૃત્ત થશે ત્યારે તેને મહાન ફિનિશર્સમાંના એક તરીકે યાદ કરવામાં આવશે. પોન્ટિંગે કહ્યું કે તે કેપ્ટન ઋષભ પંત સાથે વાત કરશે કે કેમ કાગિસો રબાડાને બદલે છેલ્લી ઓવર ટોમ કુરેનને સોંપવામાં આવી ? રબાડા પાસે વધુ એક ઓવર બાકી હતી. જોકે પોન્ટિંગે કહ્યું હતું કે ચર્ચાઓ સામાન્ય પ્રક્રિયાનો ભાગ છે, જે પરિણામને ધ્યાનમાં લીધા વગર દરેક મેચ પછી થાય છે. અંતિમ ઓવર પહેલા જે રીતે કુરેન બોલ ફેંકતો હતો તેને જોતા કુરેનને ઓવર સોંપવાનો નિર્ણય સમજી શકાય છે. કુરેને છેલ્લી ઓવરના પહેલા બોલ પર મોઈન અલીને આઉટ કર્યો હતો પરંતુ ધોનીએ ત્રણ ચોગ્ગા ફટકાર્યા હતા, જેનાથી મેચ સમાપ્ત થઈ ગઈ હતી.