વીમાં એજન્ટ બનાવી અનેક ગ્રાહકો સાથે કરોડો રૂપિયાનું ઉઠમણું કરનાર મુખ્ય આરોપીને ભાવનગર પોલીસે ઝડપી લીધો

689

સમૃદ્ધિ જીવન ફ્રુડ્સ ઇન્ડિયા લિમિટેડ કંપનીમાં સ્કીમો સમજાવી લાખો ગ્રાહકોને ફસાવ્યા
ભાવનગર શહેરના વાઘાવાડી રોડ પર આવેલા સિદ્ધિવિનાયક કોમ્પલેક્ષ ખાતે સમૃદ્ધિ જીવન ફ્રુડ્સ ઇન્ડિયા લિમિટેડ કંપનીમાં 2011થી 2016 દરમિયાન અલગ-અલગ પ્લાનમાં ગ્રાહકોનાં 8.5 કરોડ રૂપિયા તેમજ એજન્ટ ગ્રાહકોના કરોડો રૂપિયા પાકતી મુદતે નહીં આપી વિશ્વાસઘાત કરી રફુચક્કર થઈ ગયેલા કંપનીના સી.એમ.ડી મહેશ કિશન મોતેવાલને પોલીસે ઝડપી પાડ્યો છે. જેને રિમાન્ડ માટે રોજકોટ સેશન્સ કોર્ટમાં રજૂ કરવા લઈ જવાયો છે.

શહેરના નિલમબાગ પોલીસ સ્ટેશનમાં 19-12-2017ના રોજ રામદેવસિંહ ભીમભા ચુડાસમાએ એવા મતલબની ફરિયાદ નોંધાવી હતી કે, સમૃદ્ધિ જીવન ફ્રુડ્સ ઇન્ડિયા લિમિટેડ નામની કંપનીની અખબારમાં જાહેરાત આવેલી હતી. જે જાહેરાતમાં જણાવેલુ હતુ કે, એજન્ટ તરીકે જોડાઈ 15થી 20 હજાર રૂપિયા કમાઓ. જે જાહેરાત બાદ અનેક ગ્રાહકો અને એજન્ટો આ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં કામ કરવા માટે જોડાયા હતા. રામદેવસિંહએ ફરિયાદમાં જણાવેલું કે, શરૂઆતમાં જ્યારે હું કંપનીના ઇન્સ્પેક્ટર હર્ષદ ચૌહાણને મળ્યો ત્યારે મને જુદા-જુદા પ્લાન વિશે માહિતી આપી રોકાણ કરવા માટે જણાવ્યું અને મને પુરા વિશ્વાસમાં લઇ રોકાણ કરાવ્યું હતું. ત્યારબાદ મેં મારા બંને દીકરા અને ધર્મ પત્નીના નામે આ કંપનીમાં લાખો રૂપિયાનું રોકાણ કર્યું હતું. સમૃદ્ધિ જીવન ફ્રુડ્સ ઇન્ડિયા લી. કંપનીમાં ભાવનગર અને મોરબી જિલ્લામાંથી અંદાજે 2000 એજન્ટો કામ કરવામાટે જોડાયા હતા અને લાખો ગ્રાહકોના અલગ-અલગ પ્લાનમાં 35થી 40 કરોડ રૂપિયાનું રોકાણ કરાવેલું હતું. બાદમાં આ કંપની 2016ની શરૂઆતમાં લાખો ગ્રાહકોના રૂપિયા લઇ પલાયન થઇ ગઇ હતી. જેને લઇ ભાવનગરના રોકાણ કરનાર ગ્રાહકોએ એ.ડિવિઝન પોલીસ સ્ટેશનમાં કંપનીના ડાયરેક્ટર, અધિકારી અને કર્મચારીઓ સહિત કુલ 17 વિરૂદ્ધ શખ્સો વિરુદ્ધ આઈ.પી.સીની કલમ 406,420, 114, 120b મુજબ ગુનો દાખલ કરવામાં આવેલો હતો. પોલીસ તપાસ બાદ આજરોજ એ.ડીવીઝન પોલીસ કંપનીના સી.એમ.ડી મહેશ કિશન મોતેવાલને પકડી પાડ્યો છે. જેને આજે રાજકોટની સેશન કોર્ટ ખાતે રિમાન્ડ માટે રજૂ કરવામાં આવશે. આ કંપનીમાં ગ્રાહકોએ પોતાની મરણમૂડી રોકેલી હતી જેમાં કંપની દ્વારા કરોડો રૂપિયાનું ઉઠમણું કરી રફુચક્કર થઈ જતાં અમુક ગ્રાહકો આર્થિક ભીંસમાં આવી જતાં ભાવનગરના ગ્રાહક એજન્ટ સહિત કુલ પાંચ વ્યક્તિએ આત્મહત્યા પણ કરી લીધી હોવાનું જાણવા મળ્યું છે. રામદેવસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું કે, સમૃદ્ધ જીવન કંપનીમાં 2011થી કામ કરૂં છું અને એન્જટ તરીકે મારા 1 કરોડ 20 હજાર બાકી નીકળે છે. ભાવનગરના 150થી વધારે એજન્ટોએ 30થી 35 કરોડ રૂપિયા આ કંપનીમાં નખાવેલા છે. ત્યારે મુખ્ય સીએમડી મહેશ કિશન મોતેવલ 2016માં કંપની બંધ કરી ભાગી ગયો હતો, તેની પાસે પૈસા હોવા છતાં પણ ગ્રાહકો અને અજેન્ટોને ચૂકવ્યા ન હતા. Edએ દરોડા પાડી એની 1400 કરોડ રોકડા અને 600 કરોડનું સોનુ જપ્ત કર્યું હતુ. અત્યારે હાલ એની પાસે 10 હજાર કરોડની મિલ્કત છે છતાં પણ અમારા પૈસા ચૂકવતો નથી. વકીલ સુરેશભાઈ મુંજાનીએ જણાવ્યું હતું કે, 2017માં સમૃદ્ધ જીવન કંપની સામે નિલમબાગ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. ભાવનગરના 30થી 35 કરોડ રૂપિયા આ કંપની લઈને રફૂચક્કર થઇ ગઇ હતી. હાલ મુખ્ય આરોપી મહેશ કિશન મોતેવાલને રાજકોટ સેશન્સ કોર્ટમાં રીમાંડ માટે લઈ ગયા છે. ભાવનગરમાં જ 4થી 5 લોકોએ આ કંપની ઉઠી જવાને કારણે આત્મહત્યા કરી લીધી છે.